મુસેવાલાની માતાએ આઇવીએફથી બાળકને જન્મ આપ્યો એ રાજકીય મુદ્દો બને તે શોચનીય
કોંગ્રેસના નેતા અને પંજાબી ગાયક સિધ્ધુ મુસેવાલાની 2022માં પંજાબના માનસામાં હત્યા થઈ ત્યારે જેવી હોહા મચેલી એવી જ હોહા મુસેવાલાનાં માતા ચરણ કૌરે બાળકને જન્મ આપતાં મચી છે. મુસેવાલાની માતા ચરણ કૌરે 17 માર્ચે આઈવીએફ ટેકનિક દ્વારા બાળકને જન્મ આપ્યો ત્યારે મુસેવાલાના ચાહકો અને સમર્થકોએ તેની ઉજવણી કરી હતી. આ ઉજવણી પૂરી થાય એ પહેલાં તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પંજાબ સરકારને પત્ર લખીને નવજાત બાળકના જન્મ અંગે રિપોર્ટ માગતા વિવાદ થઈ ગયો છે. રાજકારણીઓ પણ આ વિવાદમાં કૂદતાં એક નવજાત બાળકના જન્મનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગાજવા માંડ્યો છે.
કોઈને સવાલ થશે કે, ચરણ કૌરે બાળકને જન્મ આપ્યો તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને શું લેવાદેવા અને શાનો વિવાદ? આ સવાલનો જવાબ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટમાં છે. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટ હેઠળ ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક દ્વારા બાળક પેદા કરવા માટે, મહિલાની ઉંમર 21 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ પણ મુસેવાલાની માતા ચરણ કૌર 58 વર્ષનાં છે.
ચરણ કૌર 50 વર્ષ કરતાં વધારેની ઉંમરે આઈવીએફ ટેકનિક દ્વારા ગર્ભવતી થયાં અને બાળકને જન્મ આપ્યો તેથી તેમણે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટનો ભંગ કર્યો છે.. કેન્દ્ર સરકારે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટના ઉલ્લંઘન અંગે તપાસ કર્યા પછી આ કાયદાનો ભંગ કર્યો હોવાનું જણાય તો કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પંજાબ સરકારને પત્ર લખીને તપાસ કરવા કહ્યું એ કાનૂની પ્રક્રિયા છે. તેમાં કશું ખોટું નથી પણ મુસેવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને પોતાને પરેશાન કરાઈ રહ્યા છે એવા આક્ષેપ કર્યા તેમાં આ મુદ્દો મોટો બની ગયો છે. બલકૌર સિંહે આક્ષેપ મૂક્યો છે કે, નવજાત બાળકના કાયદાકીય દસ્તાવેજો રજૂ કરવા અંગે વહીવટીતંત્ર તેમને સતત પરેશાન કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન ભગવંત માન પોતાને જેલમાં મોકલવા માગે છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.