આઈપીએલ 2025 ઓક્શન, 574 ખેલાડીઓ શોર્ટ લિસ્ટ, 12 માર્કી પ્લેયર્સની યાદીમાં
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 18મી સિઝન વર્ષ 2025માં રમાવાની છે, તે પહેલા 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન યોજાશે, જેના માટે ખૂબ જ ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ વખતે મેગા ઓક્શન માટે ભારતીય અને વિદેશી ખેલાડીઓ સહિત કુલ 1574 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા હતા, જે બાદ હવે શોર્ટલિસ્ટ ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે અને મેગા ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 12 ખેલાડીઓ એવા છે જેમને માર્કી પ્લેયર્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ભારતના 7 ખેલાડીઓ આમાં સામેલ છે, જ્યારે 5 વિદેશી ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
આપીએલ 2025 મેગા ઓક્શન માટે માર્કી ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવનાર ભારતીય ખેલાડીઓમાં રિષભ પંત, શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજના નામ સામેલ છે. આ તમામ ખેલાડીઓને 2 કરોડ રૂૂપિયાની મૂળ કિંમતે માર્કી ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
શ્રેયસ અય્યર, જેની કપ્તાની હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આઈપીએલ 2024માં ટ્રોફી જીતી હતી, તેને આ વખતે ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યો નથી. આ ઉપરાંત તમામની નજર ઋષભ પંત પર પણ છે જે આ વખતે હરાજીમાં ભાગ લેશે જેમાં તે ઘણી ટીમોની પ્રથમ પસંદગી છે.
મેગા ઓક્શન માટે જે વિદેશી ખેલાડીઓને માર્કી લિસ્ટમાં સ્થાન મળ્યું છે તેમાં કાગીસો રબાડા, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર, ઇંગ્લેન્ડના લિયામ લિવિંગ્સ્ટન અને જોસ બટલર અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કના નામ સામેલ છે. આમાંથી ડેવિડ મિલર એકમાત્ર એવો ખેલાડી છે જેણે પોતાની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂૂપિયા રાખી છે, આ સિવાય બાકીના ચાર ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂૂપિયા છે.