હવાલા દ્વારા રૂા.800 કરોડના રોકાણનો પર્દાફાશ: શ્રીનગરથી દુબઇ સુધી કનેકશન
આવકવેરા વિભાગે હવાલા નેટવર્ક દ્વારા રૂૂ. 800 કરોડના રોકાણનો પર્દાફાશ કર્યો છે. તેના વાયરો શ્રીનગરથી દુબઈ સુધી જોડાયેલા છે. વિભાગે શ્રીનગર સહિત મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદમાં દરોડા પાડ્યા હતા. એકલા કાશ્મીરમાં જ 50 કરોડ રૂૂપિયાના પ્રોપર્ટી ડીલના દસ્તાવેજો અને 1 કરોડ રૂૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.આ સપ્તાહની શરૂૂઆતમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. કાશ્મીરના કેસીઆઈ એમ્પોરિયમ ગ્રુપ અને દુબઈ સ્થિત પ્રોપર્ટી બ્રોકર્સ પર હવાલાના ધંધામાં સકંજો કસવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તારણોમાં જાણવા મળ્યું છે કે કાશ્મીરના કેટલાય લોકોએ દુબઈ, યુએઈમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા હવાલા દ્વારા વ્યવહારો કર્યા છે. દુબઈની પ્રોપર્ટીમાં 800 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આમાં સંડોવાયેલા વચેટિયાઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
દેશના વિવિધ શહેરોમાં તપાસ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે હવાલા બિઝનેસનો પર્દાફાશ થયા બાદ ભારતના વિવિધ શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે. ટોળકીમાં સામેલ લોકોની તપાસ ચાલી રહી છે. વિભાગનું કહેવું છે કે આવકવેરા અધિનિયમ, 1961 અને બ્લેક મની (અજાગૃત વિદેશી આવક અને અસ્કયામતો) અને ટેક્સ એક્ટ, 2015ની જોગવાઈઓ હેઠળ કેસની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.