પરાજયનો નિખાલસપણે સ્વીકાર કરવાના બદલે કોંગ્રેસ હજુ પણ બહાના શોધવામાં વ્યસ્ત છે
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયેલી કોંગ્રેસે ફરી ‘નાચ ના જાને આંગન ટેઢા’વો ખેલ શરૂૂ કરી દીધો છે. કોંગ્રેસ પાસ મતદારોને આકર્ષવા માટે કશું નથી પણ આ વાતનો સ્વીકાર કરવામાં કોંગ્રેસીઓને નાનમ લાગે છે એટલે ક્યાંય પણ હાર થાય એટલે ચૂંટણી પંચ પર આક્ષેપો કરીને એકદમ ઉઘાડ કાઢીને ઉભા રહી જાય છે. બિહારની ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસે એ જ ધંધો માંડ્યો છે.
કોંગ્રેસે પહેલાં વધારાના 3 લાખ મત ક્યાંથી આવી ગયા એવો વાંધો ઉઠાવેલો પણ ચૂંટણી પંચે આ દાવાની હવા કાઢી નાંખી એટલે કોંગ્રેસના દિગ્વિજયસિંહે દાવો કર્યો છે કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઇવીએમ)માં ઘાલમેલ અને મતદાર યાદીઓમાં ચેડાં કરીને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ જીત મેળવી છે. મજાની વાત એ છે એ છે કે, મહાકૌભાંડી એવા નહેરુ-ગાંધી ખાનદાનના જમાઈરાજ રોબર્ટ વાડરાએ દિગ્વિજયસિંહની વાતમાં સૂર પુરાવીને બિહારમાં નવેસરથી ચૂંટણીની સાવ હાસ્યાસ્પદ માગ કરી નાખી છે. દિગ્વિજયસિંહ સાવ પતી ગયેલી પાર્ટી છે અને રાજકીય રીતે એ હદે નાદાર થઈ ગયા છે કે, વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકતા નથી પણ નહેરૂૂ-ગાંધી ખાનદાનની મહેરબાનીથી રાજ્યસભાના સાંસદ છે.
આ દિગ્વિજય સિંહે બિહારનાં પરિણામોની સરખામણી ઉત્તર કોરિયા, રશિયા અને ચીનની ચૂંટણીઓ સાથે કરીને જ્ઞાન પણ પિરસ્યું છે કે, એક જ મોરચાની તરફેણમાં આવેલા પરિણામો શંકા પેદા કરે છે. દિગ્વિજયની કોમેન્ટ ભારતની લોકશાહીના ઘોર અપમાન સમાન છે કેમ કે ઉત્તર કોરિયા, રશિયા અને ચીનની જેમ ભારતમાં ચૂંટણી નથી થતી પણ નિયમો અને ધારાધોરણોને આધારે થાય છે. વાડરા અને દિગ્વિજયની વાતો બંનેને મૂરખના જામ સાબિત કરનારી તો છે જ પણ કોંગ્રેસના નેતાઓનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ નથી રહ્યો એ પણ સાબિત કરનારી છે. દિગ્વિજય મધ્ય પ્રદેશમાં બેઠાં બેઠાં બિહારની ગ્રાઉન્ડ રીયાલિટી એટલે કે નક્કર વાસ્તવિકતાની વાતો કરે તેનાથી વધારે હાસ્યાસ્પદ બીજું શું કહેવાય? દિગ્વિજય જે ગ્રાઉન્ડ રીયાલિટીની વાતો કરે છે. એ સોશિયલ મીડિયા કે મીડિયામાં તળાતાં વાતોનાં વડાંથી વિશેષ કંઈ જ નથી.
ઓવૈસી અને પ્રશાંત કિશોર બિહારના : રાજકારણમાં મહત્ત્વના સાબિત થશે ને કિંગ મેકર બનશે એવું પિક્ચર મીડિયાએ જ ઊભું કરેલું. બાકી બંનેનો ખરેખર ભારે રાજકીય પ્રભાવ છે એવું કોઈ તબક્કે દેખાયું જ નહોતું. મીડિયામાં જ પી.કે. પચ્ચીસ બેઠકો લઈ જશે ને ઓવૈસી વીસ બેઠકો લઈ જશે એવી વાતો થતી હતી પણ વાસ્તવિકતા શું છે તેની કોઈને ખબર નહોતી. કોંગ્રેસે આ વાતને સમજવાની જરૂૂર છે અને લોકોને કઈ રીતે સીધો ફાયદો કરાવી શકાય છે તેની વ્યૂહરચના બનાવવી જોઈએ. તેના બદલે કોંગ્રેસીઓ પાણીમાથી પોરા કાઢીને હાર માટે બહાનાં શોધવામાંથી ઊંચા નથી આવતા. આ માનસિકતા ધરાવતી પાર્ટી કઈ રીતે ઊંચી આવે?