For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંચાર સાથી એપ લાદવાના બદલે લોકોને સ્વૈચ્છિક રીતે અપનાવવા જાગૃત કરવા જરૂરી હતા

01:52 PM Dec 03, 2025 IST | Bhumika
સંચાર સાથી એપ લાદવાના બદલે લોકોને સ્વૈચ્છિક રીતે અપનાવવા જાગૃત કરવા જરૂરી હતા

નવા તમામ મોબાઇલ ફોનમાં ’સંચાર સાથી’ પહેલાંથી ઈન્સ્ટોલ કરવાના કેન્દ્ર સરકારના આદેશ સામે એક તરફ વિપક્ષોએ બાંયો ચડાવી છે તો બીજી તરફ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓમાં પણ કચવાટ છે. તેમાં પણ એપલે તો સીધી બાંયો ચડાવીને સરકારનો આ આદેશ માનવાનો ઈન્કાર જ કરી દીધો છે. બીજી મોબાઈલ ફોન કંપનીઓ પણ આ જ વલણ અપનાવે એવી પૂરી શક્યતા છે તેથી ભારે સંઘર્ષ નક્કી છે. આ વિરોધના પગલે મોદી સરકાર ઢીલી પડી ગઈ છે પણ પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા આદેશ પાછો નથી લીધો.

Advertisement

તેના બદલે એવી ગોળગોળ વાત કરી છે કે, આ એપ રાખવી ફરજિયાત નથી પણ ફોનમાંથી એપ અનઈન્સ્ટોલ કરી શકાશે. મતલબ કે, મોબાઈલ કંપનીઓએ તો ’સંચાર સાથી’ એપ નાંખીને જ ફોન વેચવા પડશે પણ ગ્રાહકને પસંદ ના પડે તો એપને ડીલીટ કરી શકે છે. મોબાઈલ ફોન કંપનીઓ આ વાત માનવા તૈયાર નથી તેથી આ મુદ્દે સંઘર્ષ થવાનાં એંધાણ છે. કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બરે સ્માર્ટફોન કંપનીઓને આદેશ આપ્યો હતો કે, હવે પછી તમામ સ્માર્ટફોન કંપનીઓએ પોતાના ફોનમાં કેન્દ્ર સરકારની સાયબર સેફટી એપ ’સંચાર સાથી’ પહેલાંથી ઇન્સ્ટોલ કરીને જ ફોન વેચવા પડશે. જૂના ફોનમાં સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ઇન્સ્ટોલ કરાવવાનો પણ કંપનીઓને આદેશ અપાયો હતો.

કેન્દ્ર સરકારનું કહેવું હતું કે, સાયબર ફ્રોડ, નકલી આઇએમઇઆઇ નંબર અને ફોનની ચોરીને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. સંચાર સાથી એપ કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલું સાયબર સિક્યોરિટી એપ છે અને લગભગ વરસ પહેલાં એટલે કે 17 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ કરાઈ હતી. સંચાર સાથી એપ દ્વારા અત્યાર સુધીમાં 7 લાખથી વધુ ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ પાછા મળી ચૂક્યા છે એવો સરકારનો દાવો છે. આ એપને મળેલી જોરદાર સફળતાના કારણે સરકારે બધા ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવાનું નક્કી કરી નાખ્યું પણ વિપક્ષોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી સરકાર લોકોની જાસૂસી કરવા માટે સંચાર સાથીનું તૂત ઊભું કરી રહી છે. ’સંચાર સાથી’ નાંખીને સરકાર લોકોની પ્રાઈવસી પર સીધો હુમલો કરી રહી છે કેમ કે આ એપ દ્વારા લોકોની રજેરજ માહિતી સરકાર પાસે પહોંચી જશે.

Advertisement

’સંચાર સાથી’ના માધ્યમથી લોકોની બેંકિંગથી માંડીને બેડરૂૂમ સુધીની બધી એક્ટિવિટી પર સરકાર નજર રાખશે ને તેનો ઉપયોગ લોકોને સાણસામાં લેવા માટે કરાશે એવો વિપક્ષોનો આક્ષેપ છે. મોબાઈલ કંપનીઓને વાંધો એ છે કે, પહેલાંથી બનાવી રાખેલા મોબાઈલ ફોનમાં હવે એપ ઈન્સ્ટોલ કરવી પડે એ ના પરવડે. સરકારે તેમને 90 દિવસનો સમય આપ્યો છે પણ જે ફોન બજારમાં પહેલાં જ મોકલાઈ ગયા છે એ ફોનમાં એપ ઇન્સ્ટોલ ના કરી શકાય. આ કંઈ શાકભાજી બનાવવાની નથી કે, ઈચ્છા થઈ એટલે બજારમાં શાક લઈ આવ્યા ને સમારીને પછી વઘારી દીધું એટલે બધું તૈયાર. ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવા માટે પહેલાંથી તેની સ્પેસ સહિતની વ્યવસ્થા કરવી પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement