ઘરવાળીનું સતત મોઢું જોવાના બદલે સપ્તાહમાં 90 કલાક કામ કરો: L&Tના બોસના નિવેદનથી હોબાળો
લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યન સોશિયલ મીડિયા પર અચાનક ચર્ચામાં આવી ગયા છે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના 70 કલાક કામના નિવેદન પછી હવે એનએસ સુબ્રહ્મણ્યને કહ્યું કે, સ્પર્ધામાં રહેવા માટે કર્મચારીઓએ અઠવાડિયામાં રવિવાર સહિત 90 કલાક કામ કરવું જોઈએ. આ નિવેદન સામે દિપીકા પદુકોણ સહીતના સેલીબ્રીટીઓએ વિરોધ નોંધાવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કર્મચારીઓના માટે એક વીડિયો સંદેશમાં સુબ્રહ્મણ્યને આ સલાહ આપીને વિવાદ ઉભો કર્યો છે. કર્મચારીઓને અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. વીડિયોમાં પૂછવામાં આવ્યું કે, કઝ પોતાના કર્મચારીઓને શનિવારે કામ કેમ કરાવે છે. સુબ્રહ્મણ્યને કહ્યું, ઇમાનદારીથી કહું તો મને ખેદ છે કે, હું તમારી પાસે રવિવારે કામ કરાવી શકતો નથી. જો હું તમને રવિવારે કામ કરાવી શકું તો મને વધુ ખુશી થશે. કેમ કે હું રવિવારે પણ કામ કરું છું. દિપીકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે આટલા ઉંચા પદ પર બેઠેલ વ્યકિતએ આવું નિવેદન આપવું ખુબ જ આઘાતજનક છે.
સુબ્રહ્મણ્યને આગળ કહ્યું, ઘર પર રજા લેવાથી કર્મચારીઓને શું ફાયદો થશે. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને કેટલી વાર સુધી જોતા રહેશો? પત્ની પોતાના પતિને કેટલી વાર સુધી જોઈ શકે છે? ઓફિસ જાઓ અને કામ કરવાનું શરૂૂ કરો.
કઝ ચીફે પોતાના નિવેદનને સાચું સાબિત કરવા માટે એક ઘટના શેર કરી. તેમણે એક ચીની વ્યક્તિ સાથેની વાતચીત વિશે જણાવ્યું, જેમણે કહ્યું કે, ચીન પોતાની મજબૂત વર્ક પોલિસીના કારણે અમેરિકાથી આગળ નીકળી શકે છે. સુબ્રહ્મણ્યન અનુસાર, ચીની વ્યક્તિએ કહ્યું, ચીની લોકો અઠવાડિયામાં 90 કલાક કામ કરે છે. જ્યારે અમેરિકન અઠવાડિયામાં માત્ર 50 કલાક કામ કરે છે.
રેડિટ પર આ વીડિયોને ઘણી આકરી પ્રતિક્રિયા મળી રહી છે. ઘણાં યુઝર્સે તેની તુલના નારાયણ મૂર્તિ દ્વારા આપવામાં આવેલા 70 કલાક કામ કરવાના નિવેદન સાથે કરી. એક યુઝરે લખ્યું કે, હું એલટીમાં કામ કરું છું અને તમે વિચારી શકો છો કે, અમને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે. જ્યારે એક અન્ય યુઝરે લખ્યું કે, સીઈઓ, જેમને સૌથી વધુ પગાર મળે છે અને જેના પર અલગ અલગ કામનું પ્રેશર હોય છે, તે ઓછા પગારવાળા કર્મચારીઓ પાસે એકસરખી પ્રતિબદ્ધતાની આશા કેવી રીતે રાખે છે. કંપનીઓ અલગ અલગ રીતે કામના કલાક કેમ નથી આપતી? અઠવાડિયામાં 40 કલાક, અઠવાડિયામાં 30 કલાક, અઠવાડિયામાં 50 કલાક, અઠવાડિયામાં અલગ 70 કલાક, વધુ કલાક માટે વધુ પગાર?