ઇન્દિરાના ત્રીજા પુત્ર કમલનાથ તકવાદી બને તે સમજી શકાય પણ ભાજપની એવી કઇ મજબૂરી?
રાજકારણમાં ક્યારે શું બને એ કહેવાય નહીં કેમ કે રાજકારણીઓમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું નથી. જેને ભરપેટ ગાળો દીધી હોય તેને ગળે લગાડીને લીલા તોરણે પોંખાય એવું વારંવાર બને છે ને અત્યારે એવું જ કંઈક બનવાનાં એંધાણ છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પોતાના સાંસદ પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈન જશે એવી હવા જામેલી છે. કોંગ્રેસે રાજ્યસભાની ટિકિટમાં અવગણ્યા તેથી અકળાયેલા કમલનાથ કોંગ્રેસને રામ રામ કરવાના મૂડમાં છે એવો સંકેત તેમના સમર્થકોએ આપ્યો છે. સામે ભાજપને પણ લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં ક્લીન સ્વીપ કરવા માટે કમલનાથની જરૂૂર છે.
2019ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે મધ્ય પ્રદેશની 29માંથી 28 બેઠકો જીતેલી. કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક માત્ર બેઠક છિંદવાડાની પ્રજાએ આપેલી અને કમલનાથના પુત્ર નકુલનાથને જીતાડેલા. આ વખતે એવું ના થાય એટલે ભાજપ પાણી પહેલાં જ પાળ બાંધવા માગે છે તેથી કમલનાથને લાલ જાજમ પાથરીને આવકારવા તૈયાર છે એવું કહેવાય છે. કમલનાથ નહેરુ-ગાંધી ખાનદાનના વફાદાર છે અને પચાસ વર્ષથી આ ખાનદાનની સેવા કરે છે. સંજય ગાંધીના ખાસ ગોઠિયા કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તો એ બહુ મોટા સમાચાર કહેવાશે તેમાં શંકા નથી પણ સવાલ એ છે કે, ભાજપે કમલનાથને લેવા જોઈએ ? ભાજપે સત્તા માટે સિદ્ધાંતોને ક્યારનાય બાજુ પર મૂકી દીધા છે પણ કમ સે કમ કમલનાથને મુદ્દે ભાજપે દેખાડા ખાતર તો દેખાડા ખાતર પણ સિદ્ધાંતનિષ્ઠા બતાવવી જોઈએ. ભાજપે જે નેતાઓને સૌથી વધારે ગાળો આપી છે, જેમને સૌથી વધારે ભ્રષ્ટ ગણાવ્યા છે, જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા હોવાના આક્ષેપ કર્યા છે એવા નેતાઓમાં કમલનાથ એક છે. સામે કમલનાથે પણ ભાજપને ગાળો દેવામાં કોઈ કસર છોડી નથી એ જોતાં ભાજપે કમલનાથથી તો અંતર જાળવવું જ જોઈએ. પરંતુ આજના સગવડીયા અને તકવાદી રાજકારણમાં કંઇ પણ બની શકે છે. ચોખલીયાઓ સવાલો ઉઠાવતા રહે છે. પણ મોદીની લોકપ્રિયતાથી મુસ્તાક અને એનકેન પ્રકારે 400થી વધુ બેઠકો જીતવાના લક્ષને સિધ્ધ કરવા ભાજપને ટીકાની કોઇ પરવા નથી.