ઇન્ડિગોનું બખડજંતર દર્શાવે છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એરલાઇન્સની મનમાની ચાલે છે
ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ એવી ઇન્ડિગો એરલાઇન્સના ભવાડાએ આખા દેશને માથે લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સના ભવાડા નવા નથી પણ છેલ્લા એક અઠવાડિયામાં ભવાડાએ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું અને સોમવારથી ઈન્ડિગો એરલાઈન્સની ફલાઈટ્સ ધડાધડ કેન્સલ થવા માંડી તેમાં પેસેન્જરોનો ખો નીકળી ગયો છે. હજારો પેસેન્જર્સ રઝળી પડ્યા અને અગાઉથી બુકિંગ કરાવ્યું હોવા છતાં નક્કી કરેલા સમયે ના પહોંચી શક્યા તેમાં પૈસાનું પાણી થઈ ગયું એ એ અલગ. ઈન્ડિગોનો ભવાડો ભારતમાં પોપાબાઈનું રાજ ચાલે છે તેનો વધુ એક નાદાર નમૂનો છે. આ ભવાડા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએ દ્વારા 1 નવેમ્બરથી પાઇલટ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં કરાયેલા ફેરફારોને કારણભૂત ગણાવાય છે. નવા નિયમો પ્રમાણે, કેન્દ્ર સરકારે તમામ પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પૂરતો આરામ મળે એ માટે અઠવાડિયામાં એક રજા ફરજિયાત કરી દીધી છે.
તેના કારણે એરલાઇન કંપનીઓમાં પાઇલટો અને ક્રૂ મેમ્બર્સની અચાનક અછત સર્જાઈ. ઈન્ડિગો સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ હોવાથી તેને સૌથી મોટો ફટકો પડી ગયો.ઈન્ડિગોના ભવાડાનો બીજી એરલાઈન્સે ભરપૂર લાભ લીધો અને બિચારા ગ્રાહકોને વગર સાબુએ મૂંડી નાખ્યા. ગ્રાહકોની ગરજનો લાભ કેવો ઉઠાવાયો તેનો અંદાજ એ વાત પરથી જ આવે કે, અમદાવાદથી મુંબઈની ફફ્લાઈટનું ભાડું 35 હજારને પાર થઈ ગયું કે જે સામાન્ય રીતે બે-ત્રણ હજાર રૂૂપિયા હોય છે ને દિલ્હીનું ભાડું 50 હજારને પાર પહોંચી ગયું કે જે સામાન્ય રીતે ચારેક હજાર હોય છે. આ ઉઘાડી લૂંટ ચાલતી હતી ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઘોરતી હતી અથવા આંખ આડા કાન કરીને બેઠેલી ને હવે સરકારે કેટલાં ભાડાં લઈ શકાય એ માટે ફતવો બહાર પાડયો છે.
પરંતુ સૌથી પહેલાં તો સરકારે ઇન્ડિગોના ગેરવહીવટના કારણે સર્જાયેલી અંધાધૂંધીનો ગેરલાભ લઈને ભાડામાં 10 ગણો વધારો કરી દેનારી અન્ય એરલાઇન્સ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમણે ચલાવેલી લૂંટનો માલ ઓકાવીને લૂંટાયેલા ગ્રાહકોને વધારાની રકમ પાછી અપાવવી જોઈએ પણ સરકાર નથી બીજી એરલાઈન્સ સામે કોઈ કાર્યવાહી કરી રહી કે નથી આ વધારાની રકમ ગ્રાહકોને પાછી અપાવવા કશું કરી રહી. જે ફતવા બહાર પડાઈ રહ્યા છે એ હવે પછી શું તેના છે પણ અત્યારે જે ચાલી રહ્યું છે એ માટે કશું નથી. કેન્દ્ર સરકારનું આ વલણ આઘાતજનક કહેવાય. આ વલણ એ વાતનો પુરાવો છે કે, આ દેશમાં મિડલ ક્લાસની કોઈ કિંમત જ નથી ને તેનાં હિતોની જાળવણીની કોઈને પડી નથી. એ લૂંટાતો હોય તો ભલે લૂંટાય ને મરતો હોય તો મરે, કોઈ ચિંતા કરવાની જરૂૂર નથી કેમ કે હિંદુત્વ ને વિકાસની ગળચટ્ટી વાતો ચાટી ચાટીને માનસિક રીતે નપુંસક થઈ ગયેલો મિડલ કલાસ કશું કરી શકવાનો નથી.