લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ
ટેક્નિકલ ખામીથી વિમાન પરત: રાયપુરમાં ફલાઇટના દરવાજા ન ખુલ્યા
દિલ્હીથી લેહ જતી ફ્લાઇટ 6E2006 ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી છે. આ પ્લેનમાં 180 મુસાફરો હતા. પરિણામે ઇન્ડિગોના વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાયુ છે. મહત્વનું છે કે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ તમામ વિમાનોને ટેકઓફ કરતા પહેલા સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. વળી મુસાફરી દરમિયાન પણ કોઇ ટેક્નિકલ ખામી સર્જાય તો પ્લેનને પરત મોકલવુ કે પછી સુરક્ષિત સ્થળ ેલેન્ડ કરી દેવામાં આવે છે.
બીજી તરફ દિલ્હીથી રાયપુર આવેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ખામી સર્જાઇ હતી. ફ્લાઇટનો મુખ્ય દરવાજો ખુલ્યો ન હતો. જેના કારણે યાત્રીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રીઓની સાથે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પણ આ ફ્લાઇટમાં સવાર હતા. સમયસર દરવાજો ન ખુલતા યાત્રીઓ બેચેન થતા જોવા મળ્યા હતા. પરંતુ 30 મિનિટ બાદ મુખ્ય દરવાજો ખુલતા યાત્રીઓ બહાર નિકળ્યા હતા. બાદમાં ભૂપેશ બઘેલે જણાવ્યુ હતુ કે, ટેક્નિકલ કારણોસર આ દરવાજો ખુલ્યો ન હતો. પરંતુ અડધા કલાક બાદ પરિસ્થિતિ થાળે પડી હતી. તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા.