ભારતના ખાનગી ક્ષેત્રનો વૃધ્ધિ દર ધીમો પડવા છતાં વિકસિત દેશો કરતાં અર્થતંત્ર આગળ
2025-26માં વિકાસ દર 6.5 ટકા રહેવા L&Pનો અંદાજ
ભારતના ખાનગી ક્ષેત્રનો વૃદ્ધિ દર સપ્ટેમ્બરમાં મજબૂત રહ્યો પરંતુ તે ઓગસ્ટના પાછલા અનેક વર્ષોના ઉચ્ચતમ સ્તરથી ધીમી રહી હતી. નબળી માંગને કારણે નવા ઓર્ડરોમાં ઘટ પડી હતી અને રોજગારી સર્જન પણ નરમ પડ્યુ છે. ગઇકાલા જારી કરાયેલા એક સર્વેક્ષણમાં આમ જણાવવામાં આવ્યું હતું.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા સંકલિત એચએસબીસીના ફ્લેશ ઇન્ડિયા કંપોઝિટ પરચેઝીંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ચાલુ મહિને ઘટીને 61.9 પર આવી ગયો છે. જ્યારે ઓગસ્ટમાં તેનું રિડીંગ 63.2 હતું.
એસએન્ડપીના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતે માળખાગત વિકાસ અને સુધારેલી પ્રક્રિયાઓ દ્વારા પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આના કારણે ભારત વિકસિત દેશો કરતાં આગળ નીકળી ગયું છે. વૈશ્વિક બજારની અસ્થિરતા વચ્ચે, ભારતનો વિકાસ મજબૂત રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં તેનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ છે.
ખાનગી ધિરાણ ઉદ્યોગ અંગે પણ સકારાત્મક આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે પરંપરાગત બેંકો દ્વારા છોડવામાં આવેલા નાણાકીય અંતરને કારણે ખાનગી ધિરાણ ક્ષેત્રનો આંક સપ્ટેમ્બરમાં ધીમો પડ્યો હોય છતાં પણ મજબૂત વિસ્તરણનો અનુભવ કરી રહ્યું છે. સ્થાનિક નાદારી માળખું આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવી રહ્યું છે. જોખમો હોવા છતાં, વ્યાપક નાણાકીય વ્યવસ્થા સાથે મર્યાદિત જોડાણ ક્ષેત્રને સુરક્ષા પૂરી પાડી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત 2028 સુધીમાં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ડેટાસેન્ટર પાવર માંગ માટે બીજા ક્રમનું સૌથી મોટું બજાર બનશે, જે જાપાન અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે.