FIHના હોકી રેન્કિંગમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમ બીજા ક્રમે
ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને પહેલી વાર તેના હોકી ફાઇવ્સ માટેના રેન્કિંગની જાહેરાત કરી છે જેમાં ભારતની મેન્સ અને વિમેન્સ હોકી ટીમ બીજા ક્રમે રહી છે. આ ક્રમાંકમાં ભારતની મેન્સ ટીમ 1400 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. જોકે તેની સાથે એટલા જ પોઇન્ટ (1400) હાંસલ કર્યા હોવાને કારણે ઓમાન અને મલેશિયાની ટીમ પણ બીજા સ્થાને સંયુક્તપણે રહી હતી.
28થી 31મી જાન્યુઆરી દરમિયાન મસ્કત ખાતે યોજાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાંચમા ક્રમે રહી હતી તો અગાઉ તેણે એશિયન ચેમ્પિયનશિપ જીતી હતી. બીજી તરફ પોતાના ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડ કપમાં ઓમાને પહેલી જ વાર ભાગ લીધો હતો અને તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેલી મલેશિયાની ટીમે તેના પ્રદર્શનમાં જોરદાર સુધારો કર્યો હતો અને તે એશિયન ચેમ્પિયનશિપમાં ચોથા ક્રમે રહી હતી. હોકી ફાઇવ્સના સૌ પ્રથમ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી નેધરલેન્ડ્સની ટીમ 1750 પોઇન્ટ સાથે મોખરાના ક્રમે રહી હતી. તેણે યુરોપીયન ટાઇટલ પણ જીત્યું હતું.
બીજા ક્રમની ભારતીય ટીમ (અને ઓમાન તથા મલેશિયા) બાદ પોલેન્ડની ટીમ અને ઇજિપ્તની ટીમ (બંનેના 1350 પોઇન્ટ) સંયુક્તપણે પાંચમા ક્રમે રહી હતી. વર્લ્ડ કપમાં પોલેન્ડ થોડા અંતર માટે બ્રોન્ઝ મેડલથી વંચિત રહી હતી જ્યારે ઇજિપ્ત છઠ્ઠા ક્રમે રહી હતી. ત્યાર પછી ત્રિનિદાદ એન્ડ ટોબેગો અને કેન્યાએ 1200-1200 પોઇન્ટ મેળવ્યા હતા અને તેઓ સાતમા ક્રમે રહ્યા હતા. 1150 પોઇન્ટ સાથે પાકિસ્તાની ટીમ નવમા ક્રમે રહી હતી. તેણે વર્લ્ડ કપ ખાતે ચેલેન્જર ટ્રોફી જીતી હતી. મોખરાના દસ ક્રમમાં ઓસ્ટ્રેલિયા 1100 પોઇન્ટ સાથે દસમા ક્રમે રહ્યું હતું.