ભારતની આશા પર પાણી, મિસ યુનિવર્સ સ્પર્ધામાંથી મનિકા બહાર
વૈશ્વિક સ્તરે સૌંદર્ય સ્પર્ધાઓમાં સૌથી પ્રતિષ્ઠિત મનાતી મિસ યુનિવર્સ 2025 સ્પર્ધાનું સમાપન થઈ ગયું છે. મેક્સિકોમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી મનિકા વિશ્વકર્માએ પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા, પરંતુ તે ટોચના 12 સ્પર્ધકોમાંથી આગળ વધી શકી નહીં. સ્વિમસૂટ રાઉન્ડ પછીના પરિણામોમાં મનિકાનું નામ ટોપ-8 માં ન આવતા, ભારતની મિસ યુનિવર્સનો તાજ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
મનિકા વિશ્વકર્માએ સ્પર્ધાના પ્રારંભિક રાઉન્ડ્સમાં અને રાષ્ટ્રીય પોશાક રાઉન્ડમાં શાનદાર દેખાવ કરીને ટોચની 12 સ્પર્ધકોમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ભારતીય સુંદરીએ આત્મવિશ્વાસ અને સુંદરતાનું પ્રદર્શન કર્યું હોવા છતાં, નિર્ણાયકોએ સ્વિમસૂટ રાઉન્ડમાં ફિટનેસ, શારીરિક સંતુલન અને સ્ટેજ પરના પ્રદર્શનના કડક માપદંડોને ધ્યાનમાં લીધા હતા, જેના કારણે મનિકા માટે ટોપ-8 માં પ્રવેશ મેળવવો પડકારરૂૂપ સાબિત થયો.
મનિકા વિશ્વકર્માએ ટોપ-12 સુધી પહોંચીને ભારતનું સન્માન વધાર્યું છે, પરંતુ દેશવાસીઓની મિસ યુનિવર્સનો તાજ ફરી એકવાર ભારતમાં આવે તે જોવાની ઈચ્છા આ વર્ષે પણ અધૂરી રહી છે.મનિકાએ હવે ભારત પરત ફર્યા બાદ ફેશન અને સામાજિક ક્ષેત્રે પોતાના કાર્યો ચાલુ રાખવાની જાહેરાત કરી છે.