ભારતના બુલેટ ટ્રેન અભિયાનને ઝટકો, સુરંગ બનાવતા મશીનો ચીને અટકાવ્યા
ગલવાન ઘાટીના વિવાદ બાદ ચીન સામે પગલા બાદ સંબંધો બગડ્યા
ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહાકાય સુરંગો બનાવવા માટે ત્રણ ટીબીએમ મશીનો અનિવાર્ય છે અને આ મશીનો ખરીદવા માટેનો ઓર્ડર જર્મનીની કંપની હેરેનકનેક્ટને આપી દેવામાં આવ્યો છે અને આ મશીનો ઓક્ટોબર, 2024 સુધીમાં ભારતમાં પહોંચી જવાના હતા. પરંતુ કમનસીબીની વાત એ છે કે આ મશીનોનું ઉત્પાદન ચીનના ગ્વાંગઝુ શહેરમાં થયું છે અને ચીની અધિકારીઓએ આ મશીનોની નિકાસ થતી અટકાવી દીધી છે અને તેના માટે કોઇ કારણ આપવામાં આવ્યું નથી, એવા અહેવાલો સમાચાર માધ્યમોમાં ચમક્યા છે.
ચીને માત્ર આ ત્રણ મશીનોની જ નહીં દેશના અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અનિવાર્ય અન્ય કેટલાક મશીનો અને અન્ય માલસામાનની નિકાસ પણ અટકાવી દીધી હોવાના અહેવાલ છે.
આ સમસ્યાએ એટલું ગંભીર સ્વરૂૂપ ધારણ કર્યું છે કે રેલ મંત્રાલયે આનો ઉકેલ લાવવા માટે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને સાંવલી (ધણસોલી) ખાતે મોટી સુરંગો બનાવવા માટે આ ત્રણ મશીનોનો ઉપયોગ કરવામાં આવનાર છે. જો આ મશીનો આવવામાં વિલંબ થાય તો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટના અમલીકરણમાં મોટો વિલંબ થાય એમ છે. જે ત્રણ ટીબીએમ મશીનો મગાવવામાં આવ્યા છે તેમાંથી ટીબીએમ 1 અને ટીબીએમ 2 મશીન સાંવલી (ધણસોલી)થી વિખરોલી અને વિખરોલીથી બીકેસી સુધીની સુરંગો બનાવવાના છે, જ્યારે ટીબીએમ 3 મશીનનો ઉપયોગ વિખરોલીથી સાંવલી વચ્ચેની સુરંગો બનાવવા માટે કરવાનો હતો.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ મહાકાય સુરંગો બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અફકોન્સ ઇન્ફ્રાને જૂન, 2023માં રૂૂ.6,397 કરોડની અંદાજિત કિંમત સાથે આપવામાં આવ્યો છે અને તે પૂર્ણ કરવા માટે 5વર્ષની સમયમર્યાદા છે. આ કોન્ટ્રાક્ટ અંતર્ગત બીકેસી સુરંગ 36 મિટર, વિખરોલી સુરંગ 56 મિટર અને સાંવલી સુરંગ 39 મિટર ઊંડી કરવાની છે. આ સુરંગો જમીનથી 25 થી 65 મિટર જેટલી નીચે હશે. શિલફાટા પાસે આવેલા પાસ પારસિક હિલની નીચે તો આ સુરંગ જમીનથી 114 મિટર જેટલી નીચે હશે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અંતર્ગત શિલફાટા સુધી 21 કિલોમીટરની સુરંગ બનાવવાની છે જેમાં થાણે ક્રીક નીચેની 7 કિલોમિટરની સુરંગ પણ સમાવિષ્ટ છે.
આ નિકાસ કેમ રોકવામાં આવી છે તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે 2020માં ચીન સાથે ભારતને ગલવાન ઘાટીનો વિવાદ થયો તે પછી ભારતે ચીન દ્રારા કરવામાં આવતા રોકાણ પર કડક નિયંત્રણો લાદ્યા છે. ચીનની કંપનીઓના કેટલાક કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવ્યા છે, જે પૈકી મુંબઇ મોનોરેલ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે ચીની કંપનીઓ સાથે કરેલા રૂૂ. 5,000 કરોડના ત્રણ એમઓયુ રદ કરી દીધા હતા. આવા પગલાંનો બદલો લેવા માટે ચીને ભારતમાં આ મશીનોની નિકાસને રોકી છે, એમ માનવામાં આવી રહ્યું છે.