યુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પાર
સેન્સેકસ 939, નિફ્ટી 279 અંક ઉછળ્યા, રૂપિયામાં પણ સુધારો
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત બાદ પશ્ર્ચિમ એશિયામા શાંતિ સ્થપાવાની આશાએ ભારતીય શેરબજારમા આજે હરિયાળી જોવા મળી હતી અને સેન્સેકસ તથા નીફટી ઉછાળા સાથે ખુલ્યા હતા. સેન્સેકસ ગઇકાલે 81896 નાં સ્તરે બંધ થયા બાદ આજે 638 અંકનાં ઉછાળા સાથે 82534 અંકનાં સ્તરે ખુલ્યો હતો અને એક તબકકે 939 પોઇન્ટ વધીને 82835 નો હાઇ બનાવ્યો હતો. સેન્સેકસ આજે 82 હજારની સપાટીને ક્રોસ કરીને જ ખુલતા આગામી દિવસોમા આ તેજી આગળ વધવાની આશા જાગી છે.
આજ રીતે નીફટીમા પણ આજે શાનદાર રીકવરી જોવા મળી હતી. નીફટી ગઇકાલે 24971 અંકે બંધ થયા બાદ આજે 208 પોઇન્ટ ખુલીને 25179 પોઇન્ટનાં સ્તરે ખુલ્યો હતો અને એક તબકકે 279 પોઇન્ટ વધીને 25250 નો હાઇ બનાવ્યો હતો. આ સાથે શરૂઆતનાં કારોબારમા યુએસ ડોલર સામે રૂપીયો પણ 68 પૈસા વધીને 86.10 નાં સ્તરે ખુલ્યો હતો.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થતાં, રોકાણકારો હવે આગામી વૈશ્વિક ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે બજારોને અસર કરી શકે છે. રોકાણકારોના રડાર પર એક મહત્વપૂર્ણ તારીખ 9 જુલાઈ છે, જે યુએસ ટેરિફ નિર્ણયો સંબંધિત સમયમર્યાદા છે. જો ટેરિફની ચિંતાઓ ટાળવામાં આવે અથવા ઉકેલવામાં આવે, તો બજાર વધતું રહી શકે છે.
અન્ય એશિયન બજારો પણ વધ્યા. જાપાનનો નિક્કી 225 એક ટકાથી વધુ વધ્યો, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 2 ટકા વધ્યો, દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.86 ટકા વધ્યો, જ્યારે તાઇવાનનો વેઇટેડ ઇન્ડેક્સ 1.85 ટકા વધ્યો.