ભારતની મેન્સ-વિમેન્સ ટેબલ ટેનિસ ટીમ પેરિસ ઓલિમ્પિક્સ માટે કવોલિફાઇ
ભારતની મેન્સ અને વિમેન્સ ટેબલ ટેનિસ ટીમે સોમવારે આગામી પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈને નવો ઇતિહાસ રચ્યો હતો. બંને ટીમ તેમના વિશ્વક્રમાંકને આધારે 2024ના ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ હતી.ગયા મહિને બુસાન ખાતે વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલ્સને અંતે ટીમ ઇવેન્ટમાં સાત સ્થાન બાકી રહી ગયા હતા અને આ સ્થાન વિવિધ ટીમોને તેમના વિશ્વ ક્રમાંકને ધ્યાનમાં રાખીને ફાળવવામાં આવનારા હતા.
આઇટીટીએફએ જણાવ્યું હતું કે તાજા વર્લ્ડ ટીમ ક્રમાંકમાં સર્વોચ્ચ ક્રમાંકિત ટીમ હજી સુધી ક્વોલિફાઈ થઈ નથી. વિમેન્સ ઇવેન્ટમાં ભારત હાલમાં 13મો ક્રમાંક ધરાવે છે જ્યારે પોલન્ડ 12મો અને સ્વિડન 15મો ક્રમાંક ધરાવે છે. થાઇલેન્ડની ટીમે અગાઉથી જ પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાઈ કરી લીધું હતું. જ્યારે મેન્સ ઇવેન્ટમાં ક્રોએશિયા (12), ભારત (15) અને સ્લોવેનિયા (11)ની ટીમોએ ઓલિમ્પિક્સ માટે પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. ભારતના પીઢ ટેબલ ટેનિસ સ્ટાર શરથ કમાલે ટ્વિટ કરીને લખ્યું હતું કે અંતે ભારત ટીમ ઇવેન્ટમાં ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. આ એવી સફળતા છે જેની હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. ઓલિમ્પિક્સમાં હું પાંચમી વખત રમવા જઇશ તેમ છતાં આ અમારા માટે વિશેષ પ્રસંગ છે. વિમેન્સ ટીમને પણ અભિનંદન કેમ કે તેઓ પણ ક્વોલિફાઈ થઈ ગયા છે. આ બાબત ભારતીય ટેબલ ટેનિસના ઇતિહાસની એક અનેરી અને નોંધપાત્ર સિદ્ધિ છે. ઓલિમ્પિક્સમાં 2008ની બેઇજિંગ ગેમ્સથી ટીમ ઇવેન્ટ યોજાય છે અને ભારતની મેન્સ અને વિમેન્સ બંને ટીમ ક્વોલિફાઈ થાય તે પહેલી વાર બન્યું છે.