ભારત નેરેટિવ છોડી દ્વિપક્ષી સંબંધો સુધારવા કામ કરે
બાંગ્લાદેશ બીજું અફઘાન નહીં બને, મુહમ્મદ યુનુસનું દોઢડહાપણ
શેખ હસીનાની ગેરહાજરીમાં બાંગ્લાદેશ બીજું અફઘાનિસ્તાન બનશે તેવી આશંકાને ભારપૂર્વક નકારતા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે ભારતને આ નેરેટિવ છોડવા અને દ્વિપક્ષીય સંબંધો સુધારવાની દિશામાં કામ કરવા વિનંતી કરી હતી.
નોબલ પુરસ્કાર વિજેતા યુનુસે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના હુમલાઓ સાંપ્રદાયિક કરતાં વધુ રાજકીય છે. તેમણે આ ઘટનાઓને ભારતમાં જે રીતે દર્શાવવામાં આવે છે તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. યુનુસની આ ટીપ્પણી બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આવી છે, જેમાં ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
શેખ હસીનાની વિદાય પછી બાંગ્લાદેશમાં હિન્દુઓના ધંધા-રોજગાર, મિલ્કતો અને મંદિરો પર મોટાપાયે હુમલાઓ થયા હતા. 5 ઓગસ્ટના રોજ હસીના દેશ છોડીને ભાગી ગયા બાદ ફાટી નીકળેલી વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની હિંસા દરમિયાન આ હુમલાઓ થયા હતા. હસીનાને પદભ્રષ્ટ કર્યા બાદ દેશના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત થયેલા યુનુસે દાવો કર્યો હતો કે લઘુમતીઓ પરના હુમલાઓનો મુદ્દો અતિશયોક્તિપૂર્ણ છે. યુનિસે ભારતને એવા નેરેટિવથી પણ આગળ વધવાનો અનુરોધ કર્યો હતો કે બાંગ્લાદેશને ફક્ત શેખ હસીનાના નેતૃત્વ હેઠળ જ સલામત છે.
યુનુસે જણાવ્યું હતું કે આ હુમલાઓ રાજકીય છે અને કોમી નથી. ભારત આ ઘટનાઓનો મોટા પાયે પ્રચાર કરી રહ્યું છે. અમે એવું નથી કહ્યું કે અમે કશું જ ન કરી શકીએ. અમે કહ્યું છે કે અમે બધું જ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે એવું નેરેટિવ ચાલી રહ્યું છે કે દરેક વ્યક્તિ ઈસ્લામિક છે, બીએનપી ઈસ્લામિક છે અને બાકીના બધા ઈસ્લામિક છે અને તે બધા બાંગ્લાદેશને બીજું અફઘાનિસ્તાન બનાવશે. યુનુસે ભારત સાથે મજબૂત સંબંધોની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે વધુ સહકારની હાકલ કરી હતી. તેમણે કહ્યું આ સંબંધને સુધારવા માટે આપણે સાથે મળીને કામ કરવાની જરૂૂર છે. યુનુસે એમ પણ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ તેમના પ્રત્યાર્પણની વિનંતી ન કરે ત્યાં સુધી પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ચૂપ રહેવું જોઈએ.