વિશ્ર્વના સૌથી શક્તિશાળી વાયુદળની યાદીમાં ચીનને પાછળ છોડી ભારત ત્રીજા સ્થાને રહ્યું
રશિયા-યુક્રેન યુધ્ધથી ઓપરેશન સિંદુર સુધી સાબિત થઇ ગયું છે કે ભવિષ્યના યુધ્ધમાં હવાઇદળની ભૂમિકા સૌથી મહત્વની હશે અને તેથી જ ભારતે હવે તેના હવાઇદળને વધુ સક્ષમ કરવાની જે તૈયારી કરી છે અને આધુનિક સિકસ્થ જનરેશન ફાઇટર પ્લેન જે દુનિયામાં બનવા લાગ્યા છે તેને પણ ભારતીય હવાઇદળમાં સ્થાન મળે તે માટે પ્રયત્ન શરૂૂ કર્યા છે.
હાલમાં જ એક અભ્યાસમાં દર્શાવાયું છે કે રશિયા અને અમેરિકા બાદ ભારત સૌથી શકિતશાળી એરફોર્સ ધરાવે છે. અમેરિકા આ પ્રકારે હવાઇ શકિતમાં પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે રશિયા આવે છે તો સૌથી મહત્વનું છે કે ભારતે ચીનને પણ પાછળ છોડીને આ શ્રેણીમાં ત્રીજુ સ્થાન મેળવ્યું છે. દુનિયાના હવાઇદળો પર નજર રાખનાર આંતરરાષ્ટ્રીય એજન્સી, WDMMAના રીપોર્ટ મુજબ 2025માં ભારતે ત્રીજુ રેન્કીંગ મેળવ્યું છે.જયારે ચીન ચોથા સ્થાને છે અને હાલમાં જ ઓપરેશન સિંદુરમાં ભારતના હાથે માર ખાનાર પાકિસ્તાન ટોપ-10માં પણ નથી. અમેરિકા લાંબા સમયથી લશ્કરી તાકાતમાં પણ પ્રભુત્વ ધરાવે છે અને હવાઇ દળમાં તે દુનિયામાં પ્રથમ ક્રમે છે. આ રીપોર્ટ મુજબ અમેરિકી હવાઇદળની શકિત એ રશિયા, ચીન, ભારત, દક્ષિણ કોરીયા અને જાપાનની કુલ ક્ષમતા કરતા પણ વધુ છે.
ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્ષના રીપોર્ટમાં અમેરિકા બાદ બીજા ક્રમે રશિયા છે પરંતુ તેની કુલ ક્ષમતા અમેરિકાના ત્રીજા ભાગ જેટલી છે આ રીપોર્ટમાં ફકત લડાયક વિમાનોની કુલ સંખ્યાને જ મહત્વ અપાયું નથી. પરંતુ તેની ગુણવતા અને પ્રહાર ક્ષમતાને પણ મહત્વ અપાયું છે.
103 દેશોના રીપોર્ટમાં જણાવાયું છે ભારતીય હવાઇદળની પ્રહાર ક્ષમતા વધુને વધુ ઘાતક બની રહી છે. ભારત તેમાં 69.4 ટકા રેન્ક ધરાવે છે. જયારે ચીન 63.8 ટકાની રેન્ક ધરાવે છે. અમેરિકા સૌથી પ્રથમ ક્રમે 242.9 રેન્ક સાથે અને રશિયા 142.4 રેન્ક ધરાવે છે.