For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત પણ બની રહ્યો છે વૃદ્ધોનો દેશ

11:12 AM Mar 08, 2025 IST | Bhumika
ભારત પણ બની રહ્યો છે વૃદ્ધોનો દેશ

Advertisement

15 કરોડ લોકો 60 વર્ષથી મોટી ઉંમરના, વિકસિત ભારત બનવા સામે મોટો પડકાર

ભારત ભલે હાલમાં યુવાનોનો દેશ ગણાતો પણ ટૂંક સમયમાં જ ભારત કેટલાક જાણીતા દેશોની જેમ ઘરડાઓ અને વૃદ્ધોના દેશ તરીકે પણ જાણીતો થવાનો છે. માત્ર બે દાયકા બાદ ભારતમાં વૃદ્ધોની વસતી મોટા પ્રમાણમાં જોવા મળશે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં હાલમાં કુલ વસતીમાંથી 15 કરોડ લોકો 60 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના છે. આગામી સમયમાં આ આંકડો વધતો જશે.

Advertisement

વર્ષ 2050માં ભારતની વસતીમાંથી 21 ટકા લોકો એટલે કે અંદાજે 35 કરોડ લોકો વૃદ્ધો હશે. ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. દેશમાં વધતી વૃદ્ધોની સંખ્યા ભારતના વિકાસ અને અર્થતંત્ર ઉપર મોટાપાયે નકારાત્મક અસર ઉભી કરે છે. સૂત્રોના મતે આ જે સ્થિતિ ઊભી થઈ છે તે ભારતને વિકસિત દેશ બનવાની દિશામાં અવરોધ ઊભો કરી શકે છે.

હાલમાં ભારતની વસતીમાંથી અડધી વસતી 29 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છે. એટલે કે અંદાજ 70 કરોડ લોકો યુવાન છે તેમ કહી શકાય. આ મોટી સંખ્યા જ ભારતના આર્થિક વિકાસને વેગ આપી રહી છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લાં અઢી દાયકામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ જીડીપીની વૃદ્ધિ વાર્ષિક 0.7 ટકાના સરેરાશથી થઈ છે. તેમાં હવે પરિવર્તન આવ્યું છે. ભારતમાં પહેલા વખત વૃદ્ધોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. હાલમાં ભારતમાં 15 કરોડ વૃદ્ધો છે જે અઢી દાયકા બાદ 35 કરોડની આસપાસ પહોંચી જશે. વૃદ્ધોની સંખ્યા અમેરિકાની હાલની વસતી કરતા પણ વધારે હશે. તેના કારણે જ ભારતીય અર્થતંત્રની રફતાર ઘટવાની શક્યતાઓ જોવાઈ રહી છે..

દેશમાં હાલમાં વૃદ્ધોની દેખરેખ અને સારસંભાળ માટે પૂરતી સંખ્યામાં પુખ્ત અને યુવાનો છે. આગામી સમયમાં તેમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે. કામ કરનારા અને આર્થિક જવાબદારી ઉપાડનારા લોકોની સંખ્યા ઓછી થશે તેના કારણે આવક અને બચતમાં પણ ઘટાડો થશે.

તેના પગલે ભારતીય વૃદ્ધોને આર્થિક તંગી તથા એકલતાનો પણ અનુભવ કરવાનો આવી શકે છે. સ્વાસ્થ્ય સેવાઓ ઉપર મોટો બોજ ઊભો થઈ શકે છે. વ્યક્તિગત અને સરકારી ધોરણે આવકનો એક મોટો ભાગ વૃદ્ધોની દેખરેખ અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચાતો હોવાથી યુવા પેઢીની બચત ઘટી જશે. જાણકારો તો એવું પણ માને છે કે, મહિલાઓ કે જેમનું સરેરાશ આયુષ્ય પુરુષો કરતા વધારે છે. તેમને વધારે પીડા સહન કરવાની આવી શકે છે. સરકાર પાસે વૃદ્ધો માટે વિવિધ સરકારી યોજનાઓ છે અને કદાચ આવશે પણ તેમાંથી બધી જ યોજના લાગુ થાય તેવી હશે નહીં કે દરેકને લાભ મળશે નહીં.

જાણકારોના મતે દેશની વસતીની સીધી અસર લોકોના લાભ અને તેમના યોગદાન ઉપર થાય છે. હાલમાં દેશમાં જે રીતે વસતી વધી રહી છે તથા વૃદ્ધોની સંખ્યા વધી રહી છે તે પ્રમાણે આગામી ક્વાર્ટરમાં જનભાગીદારી ઓછી થઈ જવાની છે. તેનાથી જીડીપીના વિકાસમાં માત્ર 0.2 ટકા જ લાભ થવાનો છે. આર્થિક જાણકારોના મતે હાલમાં ભારતમાં એક જ પેઢી વધી છે જે દેશને સમૃદ્ધ બનાવવા તરફ આગળ લઈ જઈ શકે છે. ત્યારબાદ દેશની વસતી એ સ્થિતિમાં આવશે કે જીડીપીની જનભાગીદારી ખૂબ જ ઓછી થઈ જશે. તેનું એક પરિણામ એવું પણ આવશે કે ભારત વિકસિત દેશ થતા પહેલાં જ વૃદ્ધોનો દેશ થઈ જશે. ભારતનો પ્રજનન દર પણ ઘટી રહ્યો છે. આ દર ઘટીને 2.0 થવાની આરે છે. હાલમાં અંદાજે 1 વૃદ્ધ વ્યક્તિએ 10 યુવાન લોકો છે પણ આગામી સમયમાં તેમાં ઘટાડો થશે. આ આંકડો ઘટીને સાત કે આઠ આવી જશે. આગામી અઢી દાયકામાં યુરોપની જેમ જ ભારતમાં વૃદ્ધોની વસતી એકાએક વધી જવાની શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement