ભારત ધારે તો યુધ્ધને રોકી શકે, મોદી સાથે મુલાકાત બાદ યુક્રેનની આજીજી
શાંતિ માટે સક્રિય ભૂમિકા ભજવવા ભારત તૈયાર
PM મોદીએ ગઇકાલે યુક્રેનની મુલાકાત લીધી હતી. PMમોદી સાથેની બેઠક બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ભારત યુદ્ધનો અંત લાવવા અમારી પડખે આવે અને કોઈ સંતુલિત પગલું ન ભરે. તેમણે કહ્યું, જો ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે તો તે રશિયન યુદ્ધનો અંત લાવી શકે છે. આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે યુક્રેન તેના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું હતું. આ પ્રસંગે PM મોદીએ ભારત તરફથી શાંતિ અને સહયોગનો સંદેશ આપ્યો હતો. પીએમ મોદીના યુક્રેન પ્રવાસ પર ઝેલેન્સકીએ ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે.
ઝેલેન્સકીએ ઙખ મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે તે જલ્દી ભારત આવવા માંગે છે. ભારતના લોકો અને PM મોદી સુધી પહોંચવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, જો ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે તો તે રશિયન યુદ્ધનો અંત લાવી દેશે. ઝેલેન્સકીએ કહ્યું, ભારતની મોટી ભૂમિકા છે. ભારત વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે અને તે શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
PM મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન મેરિન્સકી પેલેસમાં મળ્યા હતા. ઝેલેન્સકીને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, યુદ્ધની ભયાનકતાથી દુ:ખ થાય છે. યુદ્ધ બાળકો માટે વિનાશક છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો દિવસ ભારત અને યુક્રેન માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું, યુદ્ધથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સમસ્યાઓ ઉકેલાય છે. બંને પક્ષોએ એકબીજા સાથે વાતચીત શરૂૂ કરવી જોઈએ. રશિયા-યુક્રેનને સમય બગાડ્યા વિના વાત કરવા દો. ભારત શાંતિ પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવશે. પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધમાં ભારતનું વલણ ક્યારેય તટસ્થ નહોતું પરંતુ તે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત બાદ મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે બંને પક્ષોએ સાથે બેસીને આ સંકટમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢવો જોઈએ. પ્રધાનમંત્રીએ ઝેલેન્સકીને ખાતરી આપી હતી કે ભારત શાંતિ માટેના દરેક પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જો હું આમાં અંગત રીતે યોગદાન આપી શકું, તો હું ચોક્કસપણે આમ કરવા માંગીશ. એક મિત્ર તરીકે, હું તમને આની ખાતરી આપી શકું છું.
પીએમ મોદીએ કહ્યું કે મેં રશિયન રાષ્ટ્રપતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધના મેદાનમાં ક્યારેય મળતો નથી. સંવાદ, સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા જ ઉકેલ આવે છે અને આપણે સમય બગાડ્યા વિના એ દિશામાં આગળ વધવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે ભારતના વડાપ્રધાન પ્રથમ વખત યુક્રેનની ધરતી પર આવ્યા છે. 1991માં યુક્રેનને આઝાદી મળી ત્યારથી કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા દેશની આ પ્રથમ મુલાકાત છે અને આ મુલાકાત એવા સમયે આવી છે જ્યારે યુક્રેન તાજેતરમાં રશિયન વિસ્તારમાં આક્રમક સૈન્ય કાર્યવાહી શરૂૂ કરી છે.