ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ઇનિંગ 353 રનમાં સમેટાઇ
- જો રૂટે અણનમ 122 અને ઓલી રોબિન્સે 58 રન ફટકાર્યા, જાડેજાની 4 વિકેટ, ભારતનો સ્કોર 161/5
રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. શરુઆતમાં ભારતીય ડેબ્યૂટન્ટ ખેલાડી આકાશ દીપે એક બાદ એક ત્રણ મહત્વની વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને ભીંસમાં લીધું હતુ. જોકે બાદમાં જો રુટે સ્થિતિ સંભાળતી બેટિંગ કરીને સદી નોંધાવી હતી. ઓલી રોબિન્સને પણ જો રૂૂટને સાથ પુરાવતા અડધી સદી નોંધાવી હતી. આમ સમયે મુશ્કેલીમાં જણાતી અંગ્રેજ ટીમની સ્થિતિ રુટ અને ઓલીએ સુધારી હતી.ભારતની શરૂઆત નબળી રહી હતી. રોહિત શર્મા માત્ર બે રન બનાવીને જ્યારે સુભમન ગીલ (38), રજત પાટીદાર (17) અને રવિન્દ્ર જાડેજા (12) રન બનાવીને આઉટ થયા હતાં. માત્ર યશસ્વી જયસ્વાલે 73 રન ફટકાર્યા હતા.
ભારતનો સ્કોર 161/5
અંગ્રેજ ટીમનો પ્રથમ દાવ બીજા દિવસના પ્રથમ સેશનનમાં જ સમાપ્ત થયો હતો. 353 રન ઈંગ્લેન્ડ ટીમે નોંધાવ્યા હતા. ભારતીય બોલરોએ પ્રથમ દિવસના પ્રથમ સેશનમાં શાનદાર બોલિંગ કરી હતી. જોકે જો રુટના મેદાનમાં આવ્યા બાદ સ્થિતિ બદલાઈ હતી. અનુભવી બેટર જો રુટે શાનદાર રમત દર્શાવી હતી. ચોથા ક્રમે બેટિંગ કરવા માટે ઉતરેલા જો રુટ સામે ટીમની સ્થિતિને સુધારવાનો પડકાર હતો. ભારતીય બોલરોએ ધમાલ મચાવતા ટોચના ખેલાડીઓને પેવેલિયન પરત મોકલ્યા હતા. ડકેટ અને ઓલી પોપ સસ્તામાં વિકેટ ગુમાવી પરત ફર્યા હતા. ઝેક ક્રાઉલી 42 રન નોંધાવીને પરત ફર્યો હતો. આવામાં રુટે સ્થિતિ સંભાળી હતી.
રુટે અણનમ રહેતા 122 રન નોંધાવ્યા હતા. તેણે આકાશ દીપ અને જાડેજા સહિત અશ્વિનનો સામનો કર્યો હતો. 10 ચોગ્ગાની મદદ વડે તેણે મક્કમતા પૂર્વક બેટિંગ કરીને સદી નોંધાવી હતી. બેરિસ્ટોએ 38 રન અને ફોક્સે 47 રનની રમત વડે રુટને સાથ આપ્યો હતો. જ્યારે ઓલી રોબિન્સને અડધી સદી નોંધાવી મહત્વનો સાથ પુર્યો હતો. ઓલીએ 96 બોલનો સામનો કરીને 58 રન નોંધાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તે જાડેજાનો શિકાર બન્યો હતો.
જાડેજા અને આકાશની ધમાલ
રાંચીમાં ફભારતીય ઓલરાઉન્ડરોએ ધમાલ મચાવી હતી. રવિન્દ્ર જાડેજા અને આકાશ દીપે ધમાલ મચાવતા 7 વિકેટ બંનેએ મળીને ઝડપી હતી. જેમાં આકાશ દીપે 3 અને જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. જાડેજાએ રાજકોટમાં પણ અંતિમ ઈનીંગમાં ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ ઝડપી હતી. સિરાજે 2 અને અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.