હિમાચલમાં નવા જૂનીનાં એંધાણ, 11 ધારાસભ્યો પહોંચ્યા ઉત્તરાખંડ
- ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 સહિત બીજા પણ બળવાખોર બન્યા
હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો સહિત 11 ધારાસભ્યો ઉત્તરાખંડ પહોંચ્યા હોવાના સમાચાર મળ્યા છે, મીડિયા અહેવાલ મુજબ કોંગ્રેસના ધારાસભ્યો ઉપરાંત 3 અપક્ષ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોએ તાજેતરમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું ત્યારથી હિમાચલમાં રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના આ 11 બળવાખોર ધારાસભ્યો ખાસ ચાર્ટર્ડ વિમાન દ્વારા દહેરાદુન એરપોર્ટ પર ઉતર્યા હતા, અહીંથી તે ઋષિકેષથી લગભગ 30 કિમી દુર સિંગટાલી સ્થિત એક મોટા બિઝનેશ ગ્રુપની ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાયા હોવાની જાણકારી મળી છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ થોડા દિવસ આ હોટેલમાં જ રોકાશે, આ ધારાસભ્યો ક્યાં રોકાયા છે તે સ્થળને ગુપ્ત રાખવામાં આવ્યું છે. કોંગ્રેસના આ ધારાસભ્યો સાથે ઉત્તરાખંડ ભાજપના બે ધારાસભ્યો અને કેટલાક સ્થાનિક નેતાઓ હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ હિમાચલની રાજનિતીમાં મોટો ભૂકંપ આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.