હરિયાણામાં મોદીના નામે વેતરણી પાર કરવા કવાયત
દિગ્ગજો કદ મુજબ વેતરાયા, પેરાશૂટ નેતાઓને ટિકિટ, મુખ્યમંત્રીની બેઠકમાં પણ સખળડખળ
હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં અંદરોઅંદર વિખવાદ વધી રહ્યા છે. સત્તા વિરોધી લહેરને ડામવા માટે મોવડી મંડળે 15 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જેના કારણે મોટા નેતાઓ વિદ્રોહ કરી રહ્યા છે. આટલું જ નહીં ‘પેરાશૂટ નેતાઓ’ને ટિકિટ આપવાના કારણે પણ નારાજગી વધી છે. એવામાં રાજ્યના મુખ્યમંત્રી પણ બળવો શાંત કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. હવે ભાજપ સંગઠનને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ ચૂંટણી પાર કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જોકે માત્ર મોદીના નામે રાજ્યની ચૂંટણીમાં મત મળશે કે નહીં તેને લઈને પણ આશંકા છે.
નોંધનીય છે કે દેશમાં ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવવાની છે. જેમાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર છે. હરિયાણામાં તો ભાજપને ઉમેદવાર નક્કી કરવામાં જ ફાંફાં પડી ગયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ મોહન લાલ તથા વરિષ્ઠ નેતા રામવિલાસ શર્માની ટિકિટ પણ કાપવામાં આવી છે. મંત્રી રણજીત ચૌટાલાએ બળવો કર્યો છે.
બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા પેરાશૂટ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસથી આવેલા કિરણ ચૌધરીને પહેલા રાજ્યસભા બેઠક આપવામાં આવી, હવે તેમના પુત્રી શ્રુતિ ચૌધરીને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ કોંગ્રેસી નેતા રાવ ઈન્દ્રજિતના પુત્ર આરતીને પણ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા રમેશ કૌશિકના પુત્ર દેવેન્દ્ર તથા કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્યને પણ ટિકિટ આપી દેવામાં આવી છે. એવામાં ભાજપની અંદર જ નારાજગી વધી છે.
ભાજપ માટે પરિસ્થિતિ એટલી પડકારજનક છે કે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને પોતાની બેઠક પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. માનવામાં આવે છે કે ભાજપે કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નજીકના ગણાતા નેતાઓના કદ વેતરી નાંખ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરથી હરિયાણામાં ચૂંટણી પ્રચાર શરૂૂ કરવાનાઆ છે. પાર્ટીના તમામ મોટા નેતાઓ પણ જનસભાઓ સંબોધશે. ભાજપ સંગઠનને આશા છે કે વડાપ્રધાનના ચૂંટણી પ્રચાર બાદ રાજ્યમાં પરિસ્થિતિ બદલાશે.
બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શક્યું નથી. ઈનેલો અને બસપા ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે જ્યારે જેજેપીએ ચંદ્રશેખર આઝાદના પક્ષ સાથે ગઠબંધન કર્યું છે.