ભાજપ સાંસદની મટન પાર્ટીમાં બોટીની જગ્યાએ માત્ર ગ્રેવી અપાતા મારામારી
ઉત્તર પ્રદેશના ભદોહીથી ભાજપ સાંસદ વિનોદ બિંદના મિર્ઝાપુરમાં આવેલા કાર્યાલય પર ગત રાતે મટન પાર્ટી રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના લગભગ 250 લોકો આવ્યા હતા. કાર્યાલયની અંદર જમીન પર બેઠેલા લોકો મટન ખાઈ રહ્યા હતા. બધુ બરાબર ચાલી રહ્યું હતું. પણ પાર્ટીમાં તે સમયે માહોલ બગડી ગયો, જ્યારે ભાજપ સાંસદના ડ્રાઈવરના ભાઈએ પાર્ટીમાં પહોંચેલા યુવકને બોટીની જગ્યાએ ખાલી રસો આપી દીધો.
બસ પછી શું હતું. બોટીની જગ્યાએ રસો/ગ્રેવી મળતા યુવક ભડકી ગયો. આરોપ છે કે તેણે ગાળો બોલતા વાંધો ઉઠાવ્યો અને જ્યારે પિરસનારાએ વિરોધ કર્યો તો તેણે જોરદાર લાફો મારી દીધો. આ ઘટના બાદ હોબાળો થઈ ગયો. જોતજોતામાં સાંસદના કાર્યાલયમાં ચાલી રહેલી પાર્ટી યુદ્ધનું મેદાન બની ગઈ. અહીં બે પક્ષો વચ્ચે ભારે હોબાળો થયો અને ગડદાપાટુ પણ થયા. મારપીટ જોઈને પંગતમાં બેસીને જમી રહેલા લોકો પોતપોતાની ડિશ લઈને ભાગવા લાગ્યા હતા.
આ આખો કિસ્સો મિર્ઝાપુરના મજવાં વિધાનસભા વિસ્તારના કરસડાનો છે.
જ્યાં ગત 14 તારીખે ભદોહી સાંસદ વિનોદ બિંદના કાર્યાલય પર આયોજિત કાર્યક્રમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ ગઈ. જેમાં અમુક લોકો ઘાયલ પણ થયા હતા. આખા કાર્યક્રમમાં ભાગદોડ મચી ગઈ. કહેવાય છે કે ખાવામાં બોટીની જગ્યાએ ગ્રેવી આપતા વિવાદ થઈ ગયો હતો, બાદમાં આ ઝઘડો હિંસક બની ગયો.