જો તમે રાજકારણી હો તો તમારી ચામડી જાડી હોવી જોઇએ
તેલંગાણા ભાજપની મુખ્યમંત્રી રેડ્ડી સાથેની માનહાનિની અરજી ફગાવતા સુપ્રીમે કહ્યું, કોર્ટને રાજકીય લડાઇનો અખાડો ન બનાવો
સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ તેલંગાણા) દ્વારા રાજ્યના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સામે દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં તેલંગાણા હાઈકોર્ટના રેવંત રેડ્ડી સામેના કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કેસ રદ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. 2024ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે જો ભાજપ તેલંગાણામાં સત્તામાં આવશે, તો તે અનામતનો અંત લાવશે.
આજે મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે કેસ ફગાવી દીધો, અને કહ્યું કે સુપ્રીમ કોર્ટને રાજકીય લડાઈ લડવા માટેનું પ્લેટફોર્મ ન બનાવવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશે ટિપ્પણી કરી, જો તમે રાજકારણી છો, તો તમારી પાસે આ બધું સહન કરવા માટે જાડી ચામડી હોવી જોઈએ.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બી.આર. ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે કહ્યું કે તેઓ આ મામલામાં દખલ કરવા તૈયાર નથી. બેન્ચે કહ્યું, પઅમે વારંવાર કહી રહ્યા છીએ કે આ કોર્ટનો ઉપયોગ રાજકીય લડાઈ માટે ન કરો.
ભાજપના તેલંગાણા એકમે (તેના મહાસચિવ દ્વારા રજૂ કરાયેલ) મે 2024 માં રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પાર્ટી વિરુદ્ધ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સીએમ રેડ્ડીએ તેલંગાણા કોંગ્રેસ સાથે મળીને એક ખોટી અને શંકાસ્પદ રાજકીય વાર્તા રચી હતી કે જો ભાજપ સત્તામાં આવશે તો તે અનામત નાબૂદ કરશે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે કથિત બદનક્ષીભર્યા ભાષણથી રાજકીય પક્ષ તરીકે ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટના વિરોધાભાસી ચૂકાદા
ગયા વર્ષે ઓગસ્ટમાં એક ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે રેડ્ડી વિરુદ્ધ તત્કાલીન ભારતીય દંડ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 125 હેઠળ માનહાનિના કથિત ગુનાઓ માટે પ્રથમ દૃષ્ટિએ કેસ બનાવવામાં આવ્યો હતો. કાયદાની કલમ 125 ચૂંટણીના સંબંધમાં વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. રેડ્ડીએ ટ્રાયલ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે ફરિયાદમાં કરવામાં આવેલા આરોપો તેમની સામે પ્રથમ દૃષ્ટિએ કેસ નથી બનાવતા. તેમણે દલીલ કરી હતી કે રાજકીય ભાષણોને માનહાનિનો વિષય બનાવી શકાય નહીં. હાઇકોર્ટે પાછળથી ટિપ્પણી કરી હતી, જો આ કોર્ટ સ્વીકારે છે કે ફરિયાદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય એકમના સભ્ય છે અને તેમને ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે ગણી શકાય છે, તો પણ અધિકૃતતાના અભાવે ફરિયાદ જાળવી શકાય નહીં.સ્ત્રસ્ત્ર કોર્ટે કહ્યું હતું કે ફરિયાદી કે તેમના પ્રતિનિધિને ભાજપના રાષ્ટ્રીય એકમ વતી ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત નથી.