હિમાચલમાં સરકાર બચાવવી હોય તો કોંગ્રેસે પ્રતિભા-વિક્રમાદિત્યને ગાદી સોંપવી પડશે
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગના કારણે સુખવિંદરસિંહ સુખુની સરકાર પર ઊભું થયેલું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. હિમાચલ પ્રદેશમાં સુખવિંદરસિંહ સુખુની કોંગ્રેસ સરકાર પરનું સંકટ દૂર કરવા કોંગ્રેસે ભૂપેન્દ્ર હુડ્ડા અને ડી.કે. શિવકુમારની જોડીને શિમલા રવાના કરેલી અને બંને તેમના મિશનમાં હાલ પૂરતા તો સફળ રહ્યા છે. બંને નેતાએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યને સમજાવીને પ્રધાનપદેથી રાજીનામું પાછું લેવડાવ્યું છે અને કોંગ્રેસ મેં સબ ચંગા હૈ એવું એલાન કરી દીધુ પણ કોંગ્રેસની આ એકતા ક્યાં સુધી ટકશે એ સવાલ છે. વિક્રમાદિત્યે પોતાની સોશિયલ મીડીયા પ્રોફાઇલમાંથી કોંગ્રેસનું નામ હટાવી હિમાચલ સેવક કર્યું છે. તેમની માતા પ્રતિભાસિંહે ગઇકાલે એન નિવેદનમાં ભાજપ ફિલ્ડમાં કોંગ્રેસ કરતા વધુ મજબુત હોવાનું જણાવ્યું હતું. એ દર્શાવે છે કે જેમના કારણે બળવો થયો એ પ્રતિભા સિંહ અને વિક્રમાદિત્ય માની ગયા હોય એવું દેખાતું નથી. પ્રતિભા સિંહે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારનો ખરખરો કર્યો પણ સાથે સાથે પોતાનો કક્કો પણ ખરો કરાવડાવ્યો. સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ નહીં હોવાની વાત પર ભાર મૂક્યો અને આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે એવું એલાન પણ કર્યું પણ તેમનો સમર્થક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ખોટું કર્યું છે એવું ના બોલ્યાં. ઉલટાનું પ્રતિભા સિંહે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સામે નારાજગી વ્યક્ત કરી. દેખીતી રીતે જ તેઓ લોકસભાની ચુંટણી પહેલા મુખ્યમંત્રીની ગાદી ઇચ્છે છે અને હાઇકમાડન્ડ ન માને તો લોકસભાની ચુંટણી પહેલા જ પક્ષ છોડી ભાજપમાં જોડાય તેવી શકયતા છે. કોંગ્રેસ માટે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય તેવી સ્થિતિ છે. સરકાર બચાવવી હોય તો માતા- પુત્રની હઠ પુરી કર્યા સિવાય છુટકો નથી.