પેન્શન ચૂકવણીમાં બેંકો વિલંબ કરશે તો 8% વ્યાજ દેવું પડશે
કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને પેન્શન વિતરણ કરતી તમામ બેન્કોએ જો પેન્શનની ચૂકવણીમાં વિલંબ કર્યો તો તેણે વાર્ષિક 8 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. આરબીઆઇએ માસ્ટર સર્ક્યુલર જાહેર કરી બેન્કોને આદેશ આપ્યો છે કે, હવે પેન્શન ચૂકવણીમાં કોઈપણ વિલંબ માટે વાર્ષિક 8%ના દરે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. આનો ઉદ્દેશ્ય પેન્શનર્સને તેમના બાકી લેણાંની મોડી ચૂકવણી માટે વળતર આપવાનો છે.
આરબીઆઇની સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, પેન્શન ચૂકવનારી બેન્કોએ ચૂકવણીની નિયત તારીખ પછી પેન્શન/બાકી જમા કરવામાં વિલંબ કર્યો તો પેન્શનધારકને વાર્ષિક 8 ટકાના નિશ્ચિત વ્યાજ દરે વળતર આપવું પડશે.
નિર્દેશમાં સ્પષ્ટતા આપવામાં આવી છે કે, આ વળતર પેન્શનર્સના કોઈપણ દાવા વિના જ ઓટોમેટિક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. ચૂકવણીની તારીખ પછી થતા કોઈપણ વિલંબ માટે વાર્ષિક 8%ના નિશ્ચિત વ્યાજ દરે વળતર ચૂકવવાનું રહેશે. જે દિવસે બેન્ક સુધારેલા પેન્શન અથવા બાકી પેન્શનની રકમ જમા કરશે તે જ દિવસે પેન્શનધારકના ખાતામાં વ્યાજ જમા કરવામાં આવશે, આ નિયમ 1 ઑક્ટોબર, 2008થી તમામ મોડી ચૂકવણીઓ પર લાગુ થશે.