દિલ્હીમાં પ્રદૂષણથી કંટાળી IAS અધિકારીએ નોકરી છોડી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો પુરાવો આપતો એક કિસ્સો સામે આવ્યો છે. યુપીએસસી પરીક્ષા 2018 માં 8મો રેન્ક મેળવીને IASની પ્રતિષ્ઠિત સરકારી નોકરી મેળવનાર એક મહિલા અધિકારીએ દિલ્હીના ઝેરી વાતાવરણને કારણે પોતાના બાળકના સ્વાસ્થ્યની ચિંતામાં નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે.
દિલ્હીમાં પ્રદૂષણનો પ્રકોપ એટલો વધી ગયો છે કે લોકો હવે શહેર છોડવા મજબૂર બન્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, યુપીએસસીમાં ટોચનું સ્થાન મેળવનાર એક મહિલા અધિકારી, જેઓ દિલ્હીમાં ગ્રુપ-એ સર્વિસમાં તૈનાત હતા, તેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું. આ પાછળનું કારણ તેમના બાળકનું સતત બગડતું સ્વાસ્થ્ય હતું.
દિલ્હીની ઝેરી હવાને કારણે તેમના બાળકને શ્વાસ લેવામાં ગંભીર તકલીફો ઉભી થઇ હતી. આખરે, કારકિર્દી કરતાં બાળકના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને તેમણે પ્રતિષ્ઠિત નોકરી છોડીને પરિવાર સાથે ગોવા શિફ્ટ થવાનો નિર્ણય લીધો.
