રશિયા-યુક્રેનમાં નોકરીના બહાને માનવ તસ્કરી, CBIના સાત શહેરોમાં દરોડા
- 50 લાખ કરોડ, ડિજિટલ ડિવાઈસ કબજે, શંકાસ્પદોની અટકાયત, 5 લોકોને વિદેશ મોકલ્યા
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ માનવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ વિદેશમાં નોકરી અપાવવાની આડમાં ભારતીયોને રશિયા-યુક્રેન યુદ્ધના ક્ષેત્રમાં લઈ જતી હતી. તપાસ એજન્સીએ 13 સ્થળોએ કાર્યવાહી કરીને 50 લાખ રૂૂપિયા રોકડા તેમજ અનેક ડિજિટલ ડિવાઈસ જપ્ત કરી છે. આ ઉપરાંત એજન્સીએ પૂછપરછ માટે કેટલાક શંકાસ્પદોની અટકાયત પણ કરી છે. સીબીઆઈના એક અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે દિલ્હી, તિરુવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંદીગઢ, મદુરાઈ અને ચેન્નઈમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સર્ચ ઓપરેશનમાં રોકડ ઉપરાંત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ, ડેસ્કટોપ, સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પ્રાઈવેટ વિઝા ક્ધસલ્ટન્સી ફર્મ, એજન્ટો અને અન્ય કેટલાક લોકો સામે માનવ તસ્કરીનો કેસ નોંધ્યો હતો.
આ ઉપરાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોએ અત્યાર સુધીમાં 35 લોકોને નોકરીના બહાને રશિયા અને યુક્રેન મોકલી દીધા છે. આ રેકેટની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કરતાં સીબીઆઈએ કહ્યું કે આ લોકો વિદેશમાં આકર્ષક નોકરીઓનું વચન આપીને લોકોને ફસાવતા હતા. આ લોકો એક સંગઠિત નેટવર્ક બનાવીને કામ કરી રહ્યા છે અને યુટ્યુબ વગેરે જેવી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા અને તેમના સ્થાનિક સંપર્કો/એજન્ટો દ્વારા ભારતીય નાગરિકોને રશિયામાં ઊંચા પગારવાળી નોકરીઓ માટે લલચાવતા હતા.
એજન્ટોએ રશિયામાં મોટા પગારના નામે યુવાનો પાસેથી વ્યક્તિદીઠ ત્રણ લાખથી વધુ રૂૂપિયા વસૂલ્યા હતા. બાદમાં તેને યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. સીબીઆઈની આ કાર્યવાહી રશિયા-યુક્રેન યુદ્ધમાં હૈદરાબાદના મોહમ્મદ અફસાનની હત્યા થયા બાદ કરવામાં આવી હતી.