શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1400 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં સેન્સેક્સમાં 1400 તો નિફ્ટીમાં 450 પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાતા રોકાણકારોએ રાહતના શ્વાસ લીધા હતા. મોટાભાગના શેર આજે ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.
NSE પર 50 શેરોમાંથી 46 શેરોમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 4.30% અને ફાર્મા 2.50% વધ્યો છે. તે જ સમયે, ઓટો અને આઇટી સૂચકાંકો લગભગ 2% ઊંચા ટ્રેડિંગ કરી રહ્યા છે.
શેરબજારમાં આ શાનદાર તેજીનું કારણ બુધવારે ગ્લોબલ માર્કેટમાં આવેલો ઉછાળો અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 90 દિવસ માટે ઘણા દેશોને રાહત આપવાનો નિર્ણય છે. ગઈકાલે ગુરુવારે શેરબજાર મહાવીર જયંતીને કારણે બંધ હતું અને એટલા માટે આજે શુક્રવારે બજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીએ સટાસટી બોલાવી હતી.
બુધવારે એટલે કે 9 એપ્રિલે ભારતીય બજારમાં ઘટાડો જોવા મળ્યો. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક સૂચકાંકોમાં અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. બુધવારે, સેન્સેક્સ 0.51 ટકા અથવા 379.93 પોઈન્ટ ઘટીને 73,847.15 પર બંધ થયો. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સના 30 માંથી 12 શેર લીલા નિશાનમાં બંધ થયા.