UPના અલીગઢમાં ભયાનક અકસ્માત: કાર-ટ્રક વચ્ચે ટક્કર થતા લાગી આગ, 5 લોકો જીવતા સળગ્યા
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. નેશનલ હાઇવે 91 પર કાર અને મિનિબસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેના કારણે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક અકસ્માતમાં મહિલા અને બાળકો સહિત 5 લોકો બળીને ખાખ થયાં હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. આ ઘટના અકરાબાદ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા નાનૌ બ્રિજ પાસે બની હતી, જ્યાં વાહનો વધુ ઝડપને કારણે અથડાયા હતા.
અહેવાલો અનુસાર, આજે વહેલી સવારે આ ભયંક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત નેશનલ હાઇવે 91 (આગ્રા-અલીગઢ રોડ) પર નાનૌ બ્રિજ પાસે થયો હતો, જે અલીગઢ શહેરથી આશરે 20-25 કિલોમીટર દૂર અકરાબાદ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. બંને વાહનો વચ્ચે તાક્ક્ત થયા બાદ ભયાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ ગઈ, અને અંદર ફસાયેલા લોકોને બચાવવાનો સમય મળ્યો નહીં.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
કારમાં બેઠેલા પરિવાર, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તમામના મૃતદેહો ગંભીર રીતે બળી ગયા છે, જેના કારણે ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. જોકે, પ્રારંભિક માહિતી મુજબ મૃતકોમાં 5 અને 8 વર્ષના બે બાળકો અને એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બધા એક જ પરિવારના સભ્યો હોવાનું માનવામાં આવે છે. મૃતકોના નામની સત્તાવાર પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી કરવામાં આવશે.
સ્થાનિક નાગરિકોએ શરૂઆતમાં બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ આગની તીવ્રતાને કારણે તેઓ વધુ સહાય પૂરી પાડી શક્યા ન હતા. પોલીસે હાઇવે પર ટ્રાફિક જામ ટાળવા માટે ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. એસપી રૂરલ અમૃત જૈને જણાવ્યું હતું કે, "આ ઘટના ખૂબ જ દુ:ખદ છે. અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી. ઘાયલોની સારવાર ચાલી રહી છે. સંપૂર્ણ તપાસ બાદ, ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે." માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે."