આગરા લખનૌ એક્સપ્રેસ વે પર ફરી ભયાનક અકસ્માત: ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાઈ, 3ના મોત, 13ની હાલત ગંભીર
આગરા લખનૌ એક્સપ્રેસ પર ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સ્પીડમાં આવતી બસ એક્સપ્રેસ વેની બાજુમાં ઉભેલી ટ્રક સાથે ઘડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 13 લોકોની હાલત ગંભીર છે. બસમાં 40 થી વધુ લોકો સવાર હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જણાવ્યું હતું કે બસમાં મુસાફરી કરી રહેલા તમામ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટના બુધવાર-ગુરુવારની રાત્રે લગભગ 1 વાગ્યે થઈ હતી, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કહ્યું હતું કે તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટનામાં તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના લોકોની હાલત ગંભીર હોવાથી તેમને શિકોહાબાદ, સૈફઈ અને આગ્રાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સંખ્યા 13 છે. પોલીસને આશંકા છે કે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. હાલમાં, પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે, માહિતી મળતાં જ એસડીએમ સિરસાગંજ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે આ અકસ્માત માઇલ સ્ટોન 59 પાસે થયો હતો.
SDM સિરસાગંજના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ચાર ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા છે. લગભગ એક ડઝન મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના ડબલ ડેકર બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે થઈ છે. આ બસ બહરાઈચથી મુસાફરોથી ભરીને દિલ્હી જવા રવાના થઈ હતી. અહીં 59 માઈલ સ્ટોન પાસે એક ટ્રકમાં કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે તેના ડ્રાઈવરે તેને સાઈડમાં ઉભી રાખી હતી. અહીં તેજ ગતિએ આવેલી આ ડબલ ડેકર બસે ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી.
બીજી તરફ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું કે આ બસમાં 40થી વધુ લોકો હતા. બસ કંડક્ટરે 50થી વધુ મુસાફરોને સીટ આપી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર બહરાઈચથી ચાલતી આ બસમાં મોટાભાગના મુસાફરો પયાગપુર ગામના રહેવાસી છે. મુસાફરોએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે તમામ મુસાફરો સૂતા હોવાથી કોઈને બચવાનો મોકો મળ્યો ન હતો અને તમામ મુસાફરોને ઈજા થઈ હતી. આ તમામ મુસાફરોને 8 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.