હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ
RSS વ્યક્તિઓનો સમૂહ હોવાથી કરમુક્તિ મળી હોવાનો ખુલાસો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના વડા મોહન ભાગવતે સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય વ્યાખ્યાન શ્રેણીને સંબોધતા સંઘની નોંધણી અને કરમુક્તિ જેવા ચાલી રહેલા વિવાદો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે છજજનો મુખ્ય હેતુ સમગ્ર હિન્દુ સમાજને એક કરીને સંગઠિત કરવાનો છે, જેથી એક સમૃદ્ધ અને મજબૂત ભારતનું નિર્માણ થઈ શકે.
નોંધણીના ઔપચારિક અભાવ અંગેના સવાલોના જવાબમાં મોહન ભાગવતે ભારપૂર્વક જણાવ્યું કે ઘણી વસ્તુઓ નોંધાયેલ નથી, હિન્દુ ધર્મ પણ નોંધાયેલ નથી. તેમણે આવકવેરા વિભાગ અને અદાલતોના અવલોકનનો પણ દાવો કર્યો કે RSS એ વ્યક્તિઓનો સમૂહ હોવાથી તેને કરમુક્તિ આપવામાં આવી છે.
મોહન ભાગવતે જણાવ્યું કે RSS એક એવો હિન્દુ સમાજ બનાવવા માંગે છે, જે વિશ્વને ધર્મનું જ્ઞાન આપે. આ જ્ઞાન દ્વારા વિશ્વ સુખી, આનંદમય અને શાંતિપૂર્ણ બની શકે. તેમણે ઉમેર્યું કે આ ભગીરથ કાર્યનો એક ભાગ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર દ્વારા કરવાનો છે, અને RSS આ માટે હિન્દુ સમાજને તૈયાર કરી રહ્યું છે.
સંઘની સ્થાપનાના 100 વર્ષોનો ઉલ્લેખ કરતા તેમણે સવાલ કર્યો, જ્યારે 1925માં સંઘની સ્થાપના થઈ, ત્યારે શું અમે બ્રિટિશ સરકારમાં તેની નોંધણી કરાવવાની હતી? તેમણે ઉમેર્યું કે 1947માં આઝાદી મળ્યા પછી પણ સરકારે નોંધણી ફરજિયાત કરી નથી.
તેમણે એ પણ ધ્યાન દોર્યું કે અગાઉની સરકારો દ્વારા RSS પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે પોતે જ દર્શાવે છે કે સરકારે તેને માન્યતા આપી છે. તેમણે તર્ક આપ્યો કે જો અમે પ્રતિબંધિત ન હતા, તો પછી સરકારે કોને પ્રતિબંધિત કર્યો?
મુસ્લિમો, ઇસાઇઓ ભારત માતાના પુત્ર તરીકે સંઘમાં જોડાઇ શકે છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS ) ના વડા મોહન ભાગવતે ભારપૂર્વક જણાવ્યું કે RSS કોઈ રાજકીય પક્ષને સમર્થન આપતું નથી, પરંતુ માત્ર નીતિઓનું સમર્થન કરે છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સંઘમાં જોડાઈ શકે છે કે કેમ, તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સંઘમાં જાતિ કે ધર્મનો કોઈ ભેદભાવ નથી, અને કોઈપણ વ્યક્તિ ભારત માતાના પુત્ર તરીકે જોડાઈ શકે છે. મોહન ભાગવતે સંઘના રાજકીય વલણ અંગેની ગેરસમજોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આરએસએસ ચૂંટણી રાજકારણમાં ભાગ લેતું નથી કે તે કોઈ ચોક્કસ રાજકીય પક્ષને ટેકો આપતું નથી. અમે ફક્ત નીતિઓનું સમર્થન કરીએ છીએ.
‘ભગવા’ને જ રાષ્ટ્રીય ધ્વજ બનાવવા ભલામણ થઇ હતી, ગાંધીજીએ નકારી હતી
સંઘના ધ્વજ અને તિરંગા વિશે પૂછવામાં આવતા, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, રાષ્ટ્રીય ધ્વજ પ્રથમ વખત 1933 માં નક્કી કરવામાં આવ્યો હતો, અને ધ્વજ સમિતિએ સર્વસંમતિથી પરંપરાગત ભગવાને સ્વતંત્ર ભારતનો ધ્વજ બનાવવાની ભલામણ કરી હતી, પરંતુ ત્યારે ગાંધીજીએ હસ્તક્ષેપ કર્યો, અને કોઈ કારણસર, તેમણે કહ્યું કે ત્રણ રંગ હશે અને સૌથી ઉપર ભગવો હશે. ભાગવતે વધુમાં ઉમેર્યું કે, પોતાની સ્થાપના સમયથી જ, સંઘ હંમેશા આ તિરંગા ધ્વજ સાથે ઊભો રહ્યો છે, તેનું સન્માન કર્યું છે, શ્રદ્ધાંજલિ આપી છે અને તેની રક્ષા કરી છે તેથી ભગવો વિરુદ્ધ તિરંગો એવો કોઈ પ્રશ્ન જ નથી. દરેક કમ્યુનિસ્ટ પાર્ટીનો એક લાલ ઝંડો હોય છે. કોંગ્રેસ પાર્ટી પાસે ચરખા સાથે તિરંગો છે, ચક્ર નહીં. રિપબ્લિકન પાર્ટીનો વાદળી ઝંડો છે. તેથી અમારી પાસે અમારો ભગવો છે અને અમે અમારા રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરીએ છીએ.
