શ્રીલંકામાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોના મોત, રસ્તાઓ અને ખેતરો જળમગ્ન
શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અનુસાર, સપ્તાહના અંતે ભારે વરસાદે દેશના ઘણા ભાગોમાં વિનાશ વેર્યો છે. અહીં ઘરો, ખેતરો અને રસ્તાઓ ડૂબી ગયા છે. 12 જિલ્લામાં ખરાબ હવામાનને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને ભારે વરસાદને કારણે 1,25,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે.શ્રીલંકાના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને સોમવારે રાજધાની કોલંબો અને ઉપનગરીય વિસ્તારોમાં શાળાઓ બંધ જાહેર કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ અનુરા દિસનાયકેએ અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે વધારાના 5 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્દેશ આપ્યો છે.અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવા અને ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે નેવી અને આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.શ્રીલંકામાં 8 ઓક્ટોબરથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં, કેટલાક જિલ્લાઓમાં 100 મીમીથી વધુ વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર અને પાણી ભરાઈ ગયા હતા.
સોમવારે બપોરે 12 વાગ્યે જારી કરાયેલી આગાહીમાં આગામી 24 કલાકમાં દેશના ઘણા વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (ડીએમસી) એ જણાવ્યું કે સોમવાર સવાર સુધી 1,25,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે.તેમણે માહિતી આપી હતી કે હજારો લોકોને 80 થી વધુ અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.ડીએમસીએ કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ મૃત્યુની પુષ્ટિ થઈ છે.અતિવૃષ્ટિ અને પૂરને કારણે સત્તાવાળાઓએ સોમવારે રાજધાની કોલંબો અને ઉપનગરીય વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દીધી હતી.
રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે તેના 'X' હેન્ડલ પર પોસ્ટ કર્યું, "રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેએ અધિકારીઓને કોલંબો, ગમ્પાહા, પુટ્ટલમ અને કાલુતારામાં પ્રતિકૂળ હવામાનથી પ્રભાવિત લોકો માટે તાત્કાલિક રાહતને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે." પાંચ કરોડ શ્રીલંકન રૂપિયાની વધારાની રકમ પહેલેથી જ ફાળવવામાં આવી છે અને જો જરૂર પડશે તો વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે.
"રાહતના પગલાં ઉપરાંત, અમે પુનરાવર્તિત પૂરના કાયમી ઉકેલો પર પણ વિચાર કરી રહ્યા છીએ," તે કહે છે.સ્થાનિક ટેલિવિઝન ચેનલોએ કોલંબોના ઉપનગરીય વિસ્તારોમાં પૂરને દર્શાવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોની છત સુધી પાણી પહોંચી ગયા હતા.મે મહિનાથી ચોમાસાના વરસાદને કારણે શ્રીલંકામાં સ્થિતિ ખરાબ છે. જૂન મહિનામાં પૂર અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયા હતા.