છત્તીસગઢમાં વરસાદનો કહેર, વીજળી પડતાં 7નાં મોત
છત્તીસગઢના બાલોદાબજારમાં ગઈ કાલે વીજળી પડવાથી સાત લોકોના કરૂણ મોત થયા હતા. આ દરમિયાન વીજળી પડતા ત્રણ લોકો દાઝી ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે દરેક લોકો વરસાદમાં ભીના થવાથી બચવા તળાવના કિનારે એક ઝાડ નીચે ઉભા હતા. આ સમય દરમિયાન તેમના પર અચાનક આફત આવી અને સાત લોકોના મોત થયા. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગઈ કાલે 3.30 વાગ્યે પોલીસ સ્ટેશન સિટી કોતવાલી વિસ્તાર હેઠળના ગામ મોહતરા (લાટુવા)માં વીજળી પડવાથી સાત લોકોના મોત થયા હતા. વરસાદથી બચવા બધા નવા તળાવના કિનારે એક ઝાડ નીચે ઊભા હતા. દરમિયાન અચાનક વીજળી પડતાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ત્રણ લોકો પણ ઘાયલ છે, જેમને યોગ્ય સારવાર માટે જિલ્લા હોસ્પિટલ બાલોદાબજાર લાવવામાં આવ્યા છે.
તમામ મૃતકોના મૃતદેહને પણ જિલ્લા હોસ્પિટલ બાલોદાબજારમાં લાવવામાં આવ્યા છે. મૃતકોના નામ: મુકેશ (20) પિતા રાજન, ટંકર (30) પિતા હેમલાલ સાહુ, સંતોષ (40) પિતા મહેશ સાહુ, થાનેશ્ર્વર (18) પિતા દાઉ સાહુ, પોખરાજ (38) પિતા દુખુ વિશ્વકર્મા, દેવ (22) પિતા ગોપાલ દાસ, વિજય (23) પિતાનું નામ તિલક સાહુ છે. ઘાયલોના નામ વિશંભર પિતા થાનવર, બિટ્ટુ સાહુ અને ચેતન સાહુ છે.
છત્તીસગઢના મુખ્યપ્રધાન ઘાયલોને તમામ સારવાર આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકો અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. બીજી તરફ રાજસ્થાનમાં સરેરાશ વરસાદ કરતા 60 ટકા વધારે વરસાદ પડયો છે. રાજ્યમાં એક પણ જિલ્લો એવો નથી જ્યાં ઓછો વરસાદ પડયો હોય.