મુંબઈમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ વિડીયો
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં વાવાઝોડા સાથે થાણે, કલ્યાણ ડોમ્બિવલી, પશ્ચિમી ઉપનગરો, કુર્લામાં વરસાદ પડી રહ્યો છે. અચાનક પડેલા આ વરસાદથી સામાન્ય લોકો પરેશાન છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. અંધેરી સબવેમાં પાણી ઘૂસી ગયું છે જેને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના 29 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે મુંબઈના પૂર્વ ઉપનગરો, નવી મુંબઈ અને રાયગઢ જિલ્લામાં ગાજવીજ સાથે વધુ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી બે કલાક સુધી તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.
હાલમાં મુંબઈના પશ્ચિમી ઉપનગરો અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલે પાર્લે સાંતાક્રુઝ, બાંદ્રામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો આવો ભારે વરસાદ થોડો સમય ચાલુ રહેશે તો પશ્ચિમ ઉપનગરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગશે. ભિવંડી શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે.
વરસાદના પુનરાગમનને કારણે ભીવંડી શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાયો હતો, સાંજ સુધીમાં જોરદાર વરસાદ પાછો ફર્યો હતો, જો કે આ વરસાદ પણ લોકોને ગરમીમાંથી રાહત આપતો હોય તેમ લાગી રહ્યું છે.