કોલંબિયા-ઉરુગ્વેની મેચ દરમિયાન ખેલાડી-ફેન્સ વચ્ચે જોરદાર મારામારી
ડાર્વિન નુનેજ ઉપર પ્રેક્ષકો તૂટી પડ્યાનો વીડિયો વાઇરલ
કોપા અમેરિકા કપની સેમિફાઈનલ મેચમાં કોલંબિયાએ ઉરુગ્વેને 1-0થી હરાવ્યું હતુ. આ મેચમાં કોલંબિયા તરફથી એકમાત્ર ગોલ જેફરસન લેર્માએ કર્યો હતો. તેના કારણે જ કોલંબિયાની ટીમ આ મેચ જીતી ગઈ હતી. આ જીત સાથે કોલંબિયાની ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. કોલંબિયાની ટીમે 23 વર્ષ પછી કોપા અમેરિકાની ફાઈનલમાં જગ્યા બનાવી છે. ફાઈનલમાં તેનો સામનો લિયોનલ મેસીની આર્જેન્ટિના સામે થશે. કોલંબિયા અને ઉરુગ્વે વચ્ચે કેરોલિનામાં મેચ રમાઈ હતી. પરંતુ મેચમાં મોટો વિવાદ સર્જાઈ ગયો હતો.
મેચમાં હાર્યા પછી ઉરુગ્વેના ખેલાડી ફેન્સ સાથે બાખડી પડ્યાં હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉરુગ્વેના ફોરવર્ડ ડાર્વિન નુનેજ સ્ટેન્ડ પર ચડી ગયો અને ત્યાર બાદ ફેન્સ સાથે મારામારી કરી હતી. ફેન્સ લાતો અને મુક્કાઓનો વરસાદ કરી રહ્યાં છે. તેની સામે ડાર્વન નુનેજ પણ ફેન્સ સાથે લડતા જોઈ શકાય છે. ઉરુગ્વેના ખેલાડીઓ અને ફેન્સ વચ્ચેનનો ટકરાવ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. તેમાં રોનાલ્ડ અરાઉજો સૌથી આગળ છે. ત્યાર બાદ સુરક્ષાકર્મીઓ વચ્ચે પડે છે અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરે છે. ઘણાં ફેન્સ ડાર્વિન નુનેજને મુક્કાઓ મારી રહ્યાં છે. એક ફેન તો તેના માથા પર પણ મારે છે. ત્યાર બાદ લડાઈ વધુ ઉગ્ર બની જાય છે.
સાઉથ અમેરિકીન ફુટબોલની સંસ્થા ઈઘગખઊઇઘકએ આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું કે તે આ મામલાની તપાસ કરી રહી છે. રમતને પ્રભાવિત કરનાર કોઈપણ પ્રકારની હિંસાને સહન કરવામાં આવશે નહીં.
ઉરુગ્વેના કેપ્ટન જોસ મારિયા જિમેનેજે કહ્યું કે, સમગ્ર ઘટના દરમિયાન ખેલાડીઓ પોતાના પરિવારને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. કૃપા કરીને સાવધાન રહો. અમારો પરિવાર સ્ટેન્ડમાં છે. નાના બાળકો છે. કોઈ પોલીસ નહોતી અને અમારે અમારા પરિવારનું રક્ષણ કરવાનું હતુ.