લોકોને મૂર્ખ બનાવી શકે એ શ્રેષ્ઠ નેતા બની શકે છે: ગડકરીની વાત સોળ આના સાચી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાનાં નિવેદનોના કારણે ફરી એક વાર ચર્ચામાં છે. ગડકરીએ નાગપુરમાં મહાનુભાવ એક ધાર્મિક સંપ્રદાયના કાર્યક્રમમાં બોલતાં ટોણો માર્યો કે, અત્યારે દેશમાં સૌથી વધારે જૂઠું બોલે એ સારો નેતા છે અને એવો જ નેતા રાજકારણમાં સફળ થાય છે. રાજકારણમાં જુસ્સા, ઉત્સાહ અને આનંદથી કામ કરનારા લોકો છે પણ લોકોને બહુ સારી રીતે મૂર્ખ બનાવી શકે છે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે છે. ગડકરીના કહેવા પ્રમાણે, રાજકારણમાં મત મેળવવા ખોટાં વચનો અપાય છે અને પ્રજાને ભ્રમિત કરાય છે તેના કારણે એવી છાપ પણ પડી ગઈ છે કે, નેતાઓ પ્રજાને મૂર્ખ બનાવે છે.
ગડકરીએ તો રાજકારણીઓને ધર્મથી દૂર રાખવાની વિનંતી કરીને એવું પણ કહ્યું કે, રાજકારણીઓ જ્યાં પણ ઘૂસે છે ત્યાં ભડકો કર્યા વિના રહેતા નથી તેથી મંત્રીઓ અને નેતાઓને ધર્મથી વેગળા જ રાખો, તેમને ધાર્મિક કાર્યક્રમોમાં ના બોલાવો. ગડકરીએ એક શાણપણભરી વાત એ પણ કરી છે કે, ધર્મ સાથે સંકળાયેલાં લોકોને સત્તા સોંપવામાં આવે એ દેશ માટે હાનિકારક છે અને ધર્મના નામે રાજકારણ પણ સમાજ માટે હાનિકારક છે કેમ કે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્ય અલગ અલગ છે.
ધર્મ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે તેથી તેને રાજકારણથી દૂર રાખવો જોઈએ પણ કેટલાક રાજકારણીઓ તેનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે. આ કારણે વિકાસ અને રોજગારના મુદ્દા હાંસિયામાં જતા રહે છે. જો કે આ પતન માત્ર રાજકારણનું જ નથી પણ લોકોનું પણ છે. જૂઠું બોલનારા લોકો મોટા નેતા બની જાય છે તેનું કારણ લોકો જ છે ને ? લોકો એવા નેતાઓને પસંદ કરે છે તેથી લોકોનું પણ પતન જ થયું કહેવાય. લોકો જૂઠું બોલનારા નેતાઓને નકારવાનું શરૂૂ કરે તો જૂઠું બોલનારા ફેંકાઈ જાય પણ લોકોને તેમાં રસ જ નથી. લોકો તેમની જૂઠી વાતોને સાચી માની લે ને તેમને ચૂંટે તેથી આ પતન માટે સંપૂર્ણપણે પ્રજા જ જવાબદાર કહેવાય.
ગડકરીની ધર્મને રાજકારણથી દૂર રાખવાની વાત પણ સો ટકા સાચી છે પણ ભારતમાં તો એ શક્ય જ નથી. ભાજપ મજબૂત બન્યો તેનું કારણ હિંદુત્વ છે. ભાજપે હિંદુત્વના મુદ્દાનો અને હિંદુ ધર્મ સાથે સંકળાયેલા સંગઠનો, કહેવાતા સાધુ-સંતો, સંસ્થાઓ વગેરેનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કર્યો છે અને ભાજપે તેનો બદલો તેમને ફાયદો કરાવીને આપ્યો છે તેથી ગાંધી-વૈદનું સહિયારું ચાલે છે.