ભારત ખરેખર ચોથું મોટું અર્થતંત્ર બન્યું કે વા વાયો ને નળિયું ખસ્યા જેવો તાલ છે?
ભારત ખરેખર સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે ? નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (CEO) બી.વી.આર સુબ્રહ્મણિયમે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ એલાન કર્યું પછી ચોતરફ ભારત વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગયું હોવાની વધાઈઓ ખવાઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને શનિવારે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી પછી પત્રકાર પરિષદમાં સુબ્રહ્મણિયમે ભારતીય અર્થતંત્રની સિધ્ધી વિશે માહિતી આપી પછી સોશિયલ મીડિયામાં તો દેશપ્રેમનું પૂર જ આવી ગયું છે પણ મેઈનસ્ટ્રીમ મીડિયાએ પણ આ સમાચારને હેડલાઈન બનાવીને એવું ચિત્ર ઊભું કરી દીધું છે કે, ભારતની જીડીપી ખરેખર 4 ટ્રિલિયન ડોલરને પાર થઈ ગઈ છે અને ભારત વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વાસ્તવિકતા એ છે કે, ભારત વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી આર્થિક મહાસત્તા બની નથી પણ બની શકે છે એવી આગાહી કરાઈ છે. અત્યારે તો ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર જ છે અને જાપાન કરતાં પાછળ જ છે પણ ભારત ધારણા પ્રમાણે આર્થિક વિકાસ કરશે તો 2026ના માર્ચ સુધીમાં વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર હશે.
મજબૂત સ્થાનિક માગ, અનુકૂળ વસ્તી વિષયક વલણો અને નીતિગત સુધારાઓને કારણે છેલ્લાં કેટલાંક વરસોથી ભારતનું અર્થતંત્ર વાર્ષિક 6-7 ટકાનો વિકાસ દર જાળવી રહ્યું છે, આ જ વિકાસ દર ચાલુ રહે તો ભારત 2025ના અંત સુધીમાં પણ વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જઈ શકે એવી આગાહ થઈ છે. સુબ્રહ્મણિયમે આઈએમએફના ડેટાનો હવાલો આપીને દાવો કર્યો કે, હવે આ ક્ષણે આપણે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છીએ અને આપણે 4 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બન્યા છીએ. હવે જાપાન કરતા ભારતનું અર્થતંત્ર મોટું છે અને જીડીપીના મામલે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા આગળ છે. આ રિપોર્ટ પ્રમાણે ભારત 2025માં જ જાપાનને પાછળ છોડીને ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જાય એવી શક્યતા છે અને 2028 સુધીમાં ભારત જર્મનીને પછાડીને અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી આર્થિક મહાસત્તા હશે. આઈએમએફની વેબસાઈટ પર આ રિપોર્ટ પડ્યો જ છે ને જેમને વિશ્વાસ ના બેસતો હોય એ લોકો સત્ય તપાસી જ શકે છે.