હરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ
ભારતમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી લોકપ્રિય ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિનું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર @travelwithjo1 નામથી એકાઉન્ટ છે. પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તેણીએ ગુપ્તચર એજન્સી ISIના એજન્ટો સાથે સંબંધો વિકસાવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે હરિયાણા અને પંજાબના વિવિધ ભાગો સાથે સંકળાયેલા છે.
મળતી માહિતી મુજબ, જ્યોતિ મલ્હોત્રા વર્ષ 2023 માં પાકિસ્તાન ગઈ હતી. તેણીએ કમિશન દ્વારા વિઝા લઈને આ યાત્રા કરી હતી. આ દરમિયાન, જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને મળી, જેની સાથે તેણીએ ગાઢ સંબંધો વિકસાવ્યા. દાનિશ દ્વારા, જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો, જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શાહબાઝ (જેનું નામ તેણીએ તેના ફોનમાં 'જટ્ટ રંધાવા' તરીકે સેવ કર્યું હતું)નો સમાવેશ થાય છે.
જ્યોતિ વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવા એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ દ્વારા આ એજન્ટોના સંપર્કમાં હતી. તે પાકિસ્તાનની તરફેણમાં સોશિયલ મીડિયા પર સકારાત્મક છબી રજૂ કરી રહી હતી એટલું જ નહીં, પરંતુ સંવેદનશીલ માહિતી પણ શેર કરી રહી હતી.
જ્યોતિ એ 6 લોકોમાં સામેલ છે કે જેમની ગુપ્તચર એજન્સીઓની સુચના બાદ ધરપકડ કરવામાં આવી હોય અને જેમાં પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓને મહત્વપૂર્ણ માહિતીની જાણકારી આપવામાં આવો હોય,જ્યોતિનો પરિચય દાનિશ અને તેના સહયોગી અલી અહસાન દ્વારા પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ (PIOs) સાથે થયો હતો, જેમણે પાકિસ્તાનમાં તેની મુસાફરી અને રોકાણની વ્યવસ્થા કરી હતી. તેણીએ પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા હતા અને તાજેતરમાં તેની સાથે બાલી, ઇન્ડોનેશિયા ગયો હતો.
એવો આરોપ છે કે જ્યોતિએ ભારતીય સ્થળો સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી હતી અને દિલ્હીમાં રોકાણ દરમિયાન પીએચસી હેન્ડલર ડેનિશના સંપર્કમાં હતી. આ મામલે લેખિત કબૂલાત નોંધવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે.
એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને 13 મે 2025 ના રોજ ભારત સરકારે જાસૂસીમાં સંડોવણી બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો હતો અને તેને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યોતિને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાન ભારત વિરુદ્ધ પ્રચાર અને જાસૂસી પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ કરી રહ્યું હતું. આ સમગ્ર કેસ જ્યોતિ સહિત છ ભારતીય નાગરિકોને સંડોવતા જાસૂસી અભિયાનનો એક ભાગ છે. આ લોકો હિસાર, કૈથલ, નુહ (હરિયાણા) અને માલેરકોટલા (પંજાબ) માં પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ અને પીએચસી કર્મચારીઓ માટે એજન્ટ અથવા નાણાકીય માધ્યમ તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યોતિ મલ્હોત્રા પર ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 152 અને સત્તાવાર રહસ્ય અધિનિયમ, 1923 ની કલમ 3, 4 અને 5 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.