બજેટમાં બિહાર-આંધ્રને લહાણી, મજબૂરી કા નામ મોદી સરકાર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ઈનિંગ્સનું પહેલું બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર ને 23 જુલાઈ 2024એ રજૂ કરી દીધું ને રાબેતા મુજબ સામાન્ય લોકો માટે તેમાં કશું નવું નથી. ભાજપે એક સમયે 5 લાખ રૂૂપિયા સુધીની આવકને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવાનું વચન આપેલું. દસ વરસ લગી તો એ વચન મોદી સરકારે ના પાળ્યું પણ કમ સે કમ આ વરસે એ વચન પળાશે એવો સૌને આશાવાદ હતો પણ આ વખતે પણ એ વચનના પળાયું. સામાન્ય કરદાતાઓને તેમની અપેક્ષા મુજબ કંઈ ન મળતા તેઓ ફરી એકવાર ઘોર નિરાશામાં છે. આ નિરાશા એટલે વધી છે કે, નિર્મલાએ શેરબજારમાં રોકાણ કરનારાંને થતા ફાયદા પરનો ટેક્સ વધારી દીધો છે. જે લોકો નિયમિત કરવેરા ભરે છે એ જ લોકો મોટા પ્રમાણમાં શેરબજારમાં રોકાણ કરે છે.
તેથી મોદી સરકારે તેને બેઉ બાજુથી લૂંટી લીધા છે.મોદી સરકાર ન્યુ રીજિમમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને બેઠી છે તેનો મતલબ એ કે, સરકાર ઈચ્છે છે કે બહુમતી લોકો ન્યુ રીજિમ તરફ વળે અને ઓલ્ડ રીજિમને તિલાંજલિ આપી દે. સરકારનું આ વલણ ખતરનાક છે કેમ કે ઓલ્ડ રીજિમ જ દેશના અર્થતંત્ર અને સામાન્ય લોકો માટે ફાયદાકરક છે. ભારત પરંપરાગત રીતે બચતનો મહિમા કરતો દેશ છે. ભારતમાં જૂના જમાનામાં પરિવારના વડા પુરુષો મહિલાને ઘરખર્ચ માટે રકમ આપે તેમાંથી પણ મહિલાઓ બચત કરતી. આ રીતે થતી નાની નાની બચતોના કારણે ઘણું બધું સચવઈ જતું. પરિવાર મુશ્કેલીમાં હોય ત્યારે આ બચત કામ આવતી.મોદી સરકાર જે ન્યુ રીજિમ લઈ આવી છે તેમાં કોઈ પણ પ્રકારની બચત કરો કે ના કરો તેનાથી કોઈ ફરક પડતો નથી. સીધો ટેક્સ લાગે છે તેથી લોકોને બચત કરવા પ્રોત્સાહન મળતું નથી.
અત્યારે યંગ જનરેશન ખાઈ-પીને મોજ કરવામાં માને છે. તેની આ માનસિકતા પશ્ર્ચિમના કલ્ચરમાંથી આવી છે અને મોદી સરકાર આ વેસ્ટર્ન માનસિકતાને પોષી રહી છે. મોદી સરકારને લોકો બચત કરે કે ના કરે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તેને લાંબા ગાળે સરકારની આવક વધે તેમાં રસ છે ને ધીરે ધીરે લોકોને અપાતી કરરાહતો બંધ કરવામાં રસ છે નિર્મલાના બજેટની સૌથી નોંધપાત્ર બાબત વિશે પણ વાત કરી લઈએ. આ બજેટમાં નિર્મલા સીતારમણે બિહાર અને આંધ્ર પ્રદેશને કરેલી લહાણીઓ પછી એક જૂની કહેવત બદલવી પડે એવી હાલત છે. પહેલાં એવું કહેવાતું કે, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. હવે નવી કહેવત એ છે કે, મજબૂરી કા નામ મોદી. આ તો હજુ શરૂઆત છે ને હજુ પહેલું જ વરસ છે. મોદીએ નીતીશને ચંદ્રાબાબુને પાંચ વરસ સાચવવાના છે એ જોતાં હજુ તો જાણે કેટલું આપવું પડશે. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા. બીજાં રાજ્યો મોં વકાસીને જોઈ રહે ને બિહાર ને આંધ્ર પ્રદેશને લહાણીઓ થતી રહે એ સીન જોવા તૈયાર રહેજો.