તપાસ એજન્સીઓ દ્વારા વકીલોની હેરાનગતિ: સુપ્રીમની કેન્દ્રને નોટિસ
એડવોકેટ્સ પ્રોટેકશન કાયદો લાવવા અરજદાર વકીલની માંગ
દેશમાં વકીલો સાથે વધી રહેલા દુર્વ્યવહાર, તપાસ એજન્સીઓ દ્વારા તેમના પર થતા ત્રાસ તેમજ તેમના વિશેષાધિકારોમાં દખલગીરીની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે હવે ગંભીર વલણ અપનાવ્યું છે. એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટે કેન્દ્ર સરકાર અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા સહિત અન્ય સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે. આ અરજી વકીલોના વિશેષાધિકારોના રક્ષણ અને એડવોકેટ્સ પ્રોટેક્શન બિલ અંગે દાખલ કરવામાં આવી હતી.
ગઈકાલે ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે એડવોકેટ આદિત્ય ગોર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે કેન્દ્ર, બીસીઆઈ અને અન્ય લોકોને નોટિસ ફટકારી હતી. કોર્ટે આ અરજીને અગાઉ પેન્ડિંગ રહેલા સુઓમોટો કેસ સાથે જોડી દીધી હતી, જેમાં તપાસ એજન્સીઓ દ્વારા વકીલોને બોલાવવા અને ધમકાવવાની ઘટનાઓની તપાસ કરવામાં આવી રહી છે.
અરજીમાં માંગ કરવામાં આવી કે, વકીલોના અધિકારોનું રક્ષણ કરવા માટે એડવોકેટ્સ એક્ટ, 1961ની કલમ 10(3) હેઠળ એક ખાસ સમિતિની રચના કરવામાં આવે.
આ કેસમાં અરજદાર એડવોકેટ આદિત્ય ગોર વતી હાજર રહેલા એડવોકેટ નિશાંત આર કાટનેશ્વરકરે કોર્ટને જણાવ્યું હતું કે ગોર છેલ્લા 11 વર્ષથી વકીલોની સુરક્ષા સંબંધિત કાયદાની માંગ કરી રહ્યા છે. તેમણે બાર કાઉન્સિલ અને અન્ય સંબંધિત સંસ્થાઓને ‘એડવોકેટ્સ (પ્રોટેક્શન) બિલ’ તૈયાર કરવા અને અમલમાં મૂકવા માટે સતત વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટે માહિતી આપી હતી કે આ બિલ વિચારણા હેઠળ છે.