ગુજરાતીઓ ઠગ: તેજસ્વી સામે માનહાનિનો કેસ રદ કરતી સુપ્રીમ
નિવેદન પાછું ખેંચતું સોગંદનામું રજૂ કરતાં રાહત
RJD નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી માનહાનિના કેસની ફરિયાદને ફગાવી દીધી છે. તેજસ્વી યાદવે 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને ગુજરાતીઓ અંગેનું પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. 5 ફેબ્રુઆરીએ કોર્ટે સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
તેજસ્વી યાદવે ગયા વર્ષે માર્ચમાં એક નિવેદનમાં કહ્યું હતું કે વર્તમાન સંજોગોમાં માત્ર ગુજરાતીઓ જ છેતરપિંડી કરી શકે છે અને તેમની છેતરપિંડી પણ માફ કરવામાં આવશે.થ તેજસ્વી યાદવના આ નિવેદન સામે ગુજરાતના રહેવાસી હરેશ મહેતાએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હરેશ મહેતાએ આક્ષેપ કર્યો હતો કે તેજસ્વી યાદવના નિવેદનથી ગુજરાતીઓનું અપમાન થયું છે. આ પછી અમદાવાદ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી. તેજસ્વી યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસને ગુજરાતની બહાર અને મુખ્યત્વે દિલ્હી ખસેડવાની માંગ કરી હતી.
તેજસ્વી યાદવની અરજીને પગલે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં અમદાવાદ કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર રોક લગાવી દીધી હતી. તેજસ્વી યાદવે પોતાનું નિવેદન પાછું ખેંચવાની એફિડેવિટ કર્યા બાદ જ સુપ્રીમ કોર્ટે આ કેસ ખતમ કરવાનો સંકેત આપ્યો હતો. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા વિચાર્યું હતું કે જ્યારે માફી માંગવામાં આવી છે તો પછી કેસને આગળ કેમ લઈ જવો.