GSTની આવકમાં 4.6 ટકાનો વધારો, ઓકટોબરની આવક 1.96 લાખ કરોડ
જીએસટીના દરોમાં કરાયેલાં ઘટાડાના પગલે દિવાળીના તહેવારોમાં થયેલી ધૂમ ખરીદીને કારણે ઓક્ટોબરમાં જીએસટી વસૂલાતમાં વધારો જોવાયો હતો. ઓક્ટોબરમાં જીએસટીની વસૂલાત વાર્ષિક ધોરણે 4.6 ટકા વધી રૂૂ. 1.96 લાખ કરોડ રહેવા પામી હતી. જોકે જીએસટીમાં વૃદ્ધિનો દર ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી નીચો રહેવા પામ્યો હતો. 22મી સપ્ટેમ્બરે એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસથી, ઘરવપરાશની વસ્તુઓથી લઈને ઈલેક્ટ્રોનિક્સ તથા ઓટોમોબાઈલ્સ સહિતની 375 ચીજ-વસ્તુઓ પર અમલી બનેલા જીએસટીના ઘટાડેલાં દરને પગલે ઓક્ટોબરમાં જીએસટી વસૂલાતનો વૃદ્ધિ દર ધીમો રહેવા પામ્યો હતો.
સરકાર દ્વારા જારી કરાયેલાં આંકડા અનુસાર, ઓક્ટોબર, 2024ની રૂૂ. 1.87 લાખ કરોડની વસૂલાતની તુલનાએ ઓક્ટોબર, 2025માં જીએસટીની વસૂલાત 4.6 ટકા વધીને રૂૂ. 1.96 લાખ કરોડ રહેવા પામી હતી. ઓક્ટોબરમાં સ્થાનિક વેચાણ થકી કુલ ઘરેલુ આવક 2 ટકા વધી રૂૂ. 1.45 લાખ કરોડ રહેવા પામી હતી, જ્યારે આયાત પરના ટેક્સની આવક 13 ટકા વધી રૂૂ. 50,884 કરોડ નોંધાઈ હતી.ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન જીએસટીની વસૂલાત અનુક્રમે 6.5 ટકા અને 9.1 ટકા વધી રૂૂ. 1.86 લાખ કરોડ તથા રૂૂ. 1.89 લાખ કરોડ નોંધાઈ હતી.
ઓક્ટોબરમાં નોંધાયેલી જીએસટીની વસૂલાત તહેવારોની સીઝનની અસર તથા માગમાં સર્જાયેલી વૃદ્ધિને દર્શાવે છે. સ્વતંત્રતા દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પ્રથમ દિવસથી જીએસટીના દરોમાં ઘટાડો કરવાની કરેલી જાહેરાતને પગલે ગ્રાહકોએ ખરીદીના નિર્ણય પાછાં ઠેલ્યાં હતાં. સરકારના આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં જીએસટી રિફંડ વાર્ષિક ધોરણે 39.6 ટકાની વૃદ્ધિ સાથે રૂૂ. 26,934 કરોડ નોંધાયું હતું.
