અમૃતસરમાં મંદિર પર ગ્રેનેડ ફેંકાયા: સુવર્ણ મંદિરમાં શ્રધ્ધાળુઓ પર હુમલો
અમૃતસરના ઠાકુરદ્વારા મંદિર પર બાઇક પર સવાર બે યુવકોએ ગ્રેનેડથી હુમલો કર્યો. હવે આ હુમલાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ હુમલો રાત્રે લગભગ 12.35 વાગ્યે થયો હતો. આ હુમલો જ્યાં થયો તે મંદિર અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલું ઠાકુરદ્વારા મંદિર છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જ્યારે મંદિર પર આ હુમલો થયો ત્યારે મંદિરના પંડિતો પણ અંદર સૂતા હતા પરંતુ સદનસીબે મંદિરના પંડિતો આબાદ બચી ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે કેસની તપાસ શરૂૂ કરી છે. સીસીટીવી વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે યુવકો મોટરસાઈકલ પર આવે છે, જેમના હાથમાં ધ્વજ પણ હોય છે, જેઓ થોડી સેક્ધડો માટે મંદિરની બહાર ઉભા રહે છે અને મંદિર તરફ કંઈક ફેંકે છે. તે ત્યાંથી ભાગતા જ મંદિરમાં મોટો વિસ્ફોટ થાય છે. આ હુમલો જ્યાં થયો તે મંદિર અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલું ઠાકુર દ્વારા મંદિર છે.
અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ પાંચ લોકો પર સળિયા વડે હુમલો કરી તમામને ઇજા પહોંચાડી હતી. પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. કેસની તપાસ ચાલી રહી છે. આરોપીની ઓળખ હરિયાણાના રહેવાસી ઝુલ્ફાન તરીકે થઈ છે. પોલીસે તેના સાથીદારની પણ ધરપકડ કરી છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોમાં બે મંદિરના સેવકો અને ત્રણ ભક્તો છે. ઘાયલોમાં ભટિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
દરમિયાન પશ્ચિમ બંગાળમાં ધૂળેટીના દિવસે અશાંતિ જોવા મળી છે. નંદીગ્રામથી ભાજપના વિધાયક શુભેન્દુ અધિકારીનો આરોપ છે કે શુક્રવારે તેમના મતવિસ્તારમાં મૂર્તિ ખંડિત કરવાની એક ઘટના સામે આવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયે પણ આ ઘટનાની ટીકા કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે કહ્યું કે બરુઈપુર, જાદવપુર અને મુર્શિદાબાદ સહિત સમગ્ર પ્રદેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.