શેરબજારમાં શાનદાર તેજી…સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી
છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ આજે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1,092.68 પોઇન્ટના જંગી વધારા સાથે 79,852.08 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 327 પોઇન્ટના વધારા સાથે 24,382.60 પર મજબૂત ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે બેન્ક નિફ્ટી 600 અંક વધીને 50,660ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. શેરોની વાત કરીએ તો ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટાટા સ્ટીલ જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. જયારે એકમાત્ર હિન્દુસ્તાન યુનિલિવરમાં જ ઘટાડો દેખાઈ રહ્યો છે.
અમેરિકન શેરબજારો રાતોરાત 3 ટકા ઘટીને બંધ થયા હતા. આ પહેલા સોમવારે સેન્સેક્સ 2,222.55 પોઈન્ટ અથવા 2.74 ટકાના ઘટાડા સાથે 78,759.40 પર બંધ થયો હતો. નિફ્ટી 662.10 પોઈન્ટ અથવા 2.68 ટકા ઘટીને 24,055.60 પર બંધ થયો હતો. આ 23 જુલાઈના નિફ્ટીના 24,074.20ના નીચલા સ્તર કરતાં ઘણું ઓછું છે.
બીએસઈના ટોપ 30 શેર્સની વાત કરીએ તો તમામ શેર્સમાં તોફાની વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સમાં સૌથી વધુ 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ પછી LT, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ અને ટાટા સ્ટીલના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો છે. આ સિવાય ઈન્ફોસિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
GE શિપિંગના શેર 5.37 ટકા, પતંજલિ ફૂડના શેર 4 ટકાથી વધુ, ગોદરેજ પ્રોપર્ટીઝ 4.68 ટકા, ઝોમેટોના શેર 4.61 ટકા વધીને રૂ. 268 પર ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે DLFનો શેર આજે 4 ટકા વધીને રૂ. 841 પર ટ્રેડ થઈ રહ્યો છે.
50 શેરમાં અપર સર્કિટ
NSEના 2,160 શેરોમાંથી 1,921 શેરો વધીને ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 194 શેરોમાં ઘટાડો થઈ રહ્યો છે. 34 શેરમાં 52 સપ્તાહનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 7 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય 50 અપર સર્કિટ અને 21 લોઅર સર્કિટ પર બિઝનેસ થઈ રહ્યો છે.