ગોવિંદાની પોલિટીક્સમાં રી-એન્ટ્રી!!! એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ફિલ્મ અભિનેતા ગોવિંદા ફરી એકવાર રાજકારણમાં પ્રવેશ્યા છે, તેઓ આજે સીએમ એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના શિંદે જૂથમાં જોડાયા હતા. માનવામાં આવે છે કે તેઓ મુંબઈ નોર્થ-વેસ્ટથી ચૂંટણી લડી શકે છે. ગોવિંદાના રાજકારણમાં પ્રવેશ અંગેની અટકળો ગઈકાલે શરૂ થઈ જ્યારે તે શિવસેના એક નાથ શિંદે જૂથના પ્રવક્તા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતાં.
મુંબઈની નોર્થ વેસ્ટ સીટ પરથી ગોવિંદાને ચૂંટણી લડાવવાની તૈયારી ચાલી રહી છે. આ એ જ બેઠક છે જ્યાંથી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે અમોલ કીર્તિકરને ઉમેદવાર બનાવ્યા છે. ઉદ્ધવના આ પગલા પછી કોંગ્રેસ નેતા નિરુપમ પણ નારાજ છે કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસની સીટ પર ઉમેદવાર કેમ ઉભા રાખ્યા. આ પછી ગોવિંદા આ સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા વધી ગઈ હતી. એક અઠવાડિયા પહેલા પણ ગોવિંદા એક નાથ શિંદેને મળ્યો હતો. આ ઉપરાંત ત્રણ દિવસ પહેલા એક મહત્વની બેઠક પણ યોજાઈ હતી.
ગોવિંદાએ 2004માં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમણે અહીંથી ભાજપના વરિષ્ઠ નેતા રામનાઈકને હરાવ્યા હતા. ગોવિંદાની આ જીત ખાસ હતી કારણ કે તેણે ભાજપનો ગઢ ગણાતી સીટ પર જીત મેળવી હતી. આ લોકસભા સીટમાં બોરીવલી, મગાથેન, ચારકોપ, મલાડ, દહિસર, કાંદિવલી વગેરે વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે.
મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પરથી અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતારવાની જાહેરાત બાદ માધુરી દીક્ષિતના નામની પણ ચર્ચા થઈ હતી. જો કે માધુરી દીક્ષિતે તેમાં કોઈ રસ દાખવ્યો ન હતો, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સીટ પર ચૂંટણી લડવા માટે અક્ષય કુમાર અને નાના પાટેકર સાથે ચર્ચા થઈ હતી, પરંતુ અક્ષય અને નાના પાટેકરે પણ તેમાં કોઈ રસ દાખવ્યો ન હતો.