For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપ્રીમની કડક ટિપ્પણી કાને નહીં ધરનારા રાજ્યપાલો હવે વિપક્ષી રાજ્યોમાં બેલગામ બનશે

10:54 AM Nov 21, 2025 IST | Bhumika
સુપ્રીમની કડક ટિપ્પણી કાને નહીં ધરનારા રાજ્યપાલો  હવે વિપક્ષી રાજ્યોમાં બેલગામ બનશે

સુપ્રીમ કોર્ટે છ મહિના પહેલાં ઐતિહાસિક ચુકાદો આપેલો કે, વિધાનસભા કે સંસદે પસાર કરેલાં બિલો અંગે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ નિયત સમયમર્યાદામાં નિર્ણય લેવો પડશે અને રાજ્યપાલ આ બિલોને લટકાવી રાખી ના શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભારે પ્રસંશા થયેલી પણ છ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે ફેરવી તોળ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નરેન્દ્ર મોદી સરકારે વાંધો લીધેલો ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રેસિડેન્શિયલ રેફરન્સ માગેલો અને 14 સવાલો કરીને એ અંગે સ્પષ્ટતા કરવા માટે વિનંતી કરેલી. સુપ્રીમ કોર્ટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ અંગેના નિર્ણયમાં એકદમ ગુલાંટ લગાવીને જાહેર કર્યું છે કે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી ના કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલો પાસે વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને રોકવાની સંપૂર્ણ સત્તા છે.

Advertisement

એવું પોતે નથી માનતી પણ સાથે સાથે બિલોને મંજૂરી આપવા માટે કોઈ સમયમર્યાદા નક્કી ના કરી શકાય એ પણ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે, રાજ્યપાલ પાસે બિલોને મંજૂરી આપવી, તેમને પુનર્વિચારણા માટે પાછા મોકલવા અથવા રાષ્ટ્રપતિ પાસે મોકલવા એમ ત્રણ વિકલ્પ હોય છે પણ આ વિકલ્પો અજમાવવા માટે કે બિલોને મંજૂરી આપવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવાની કોઈ જોગવાઈ બંધારણમાં નથી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો બધાંએ માથે ચડાવવો પડે પણ આ ચુકાદાથી લોકશાહીનાં મૂલ્યો ખતરામાં આવી જશે. લોકશાહીમાં બંધારણ સર્વોપરિ છે અને તેનો અમલ -કરાવવાની જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર બંધારણની મર્યાદામાં રહીને તમામ નિર્ણયો લેવાનો અધિકાર ધરાવે છે પણ કેટલાક રાજ્યપાલો પોતાને રાજ્યોની ચૂંટાયેલી સરકાર કરતાં ઉપર માનીને વર્તી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તેમના પર લગામ આવશે અને રાજ્યપાલો બંધારણને વફાદાર થશે એવી આશા ઊભી થયેલી પણ આ ચુકાદાએ એ આશા પર પાણી ફેરવી દીધું છે. રાજ્યપાલો બંધારણીય હોદ્દો છે અને બંધારણીય હોદ્દા પર બેઠેલી દરેક વ્યક્તિની જેમ રાજ્યપાલોએ પણ બંધારણને વફાદાર રહીને વર્તવાનું હોય છે. કમનસીબે રાજ્યપાલો આ દેશના બંધારણ તરફ નહીં પણ જેમણે તેમના તરફ રાજ્યપાલપદનો ટુકડો ફેંકી દીધો તેના તરફ વફાદારી બતાવી રહ્યા છે. આ વફાદારી બતાવવાના ઉત્સાહમાં રાજ્યપાલો સુપર પાર્લામેન્ટ તરીકે વર્તી રહ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધીઓની બનેલી વિધાનસભાએ પસાર કરેલાં બિલોને રોકી રાખે છે.

Advertisement

વાસ્તવમાં તેમને આવો કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રાજ્યપાલોને પોતાની મરજી થાય એટલા સમય સુધી વિધાનસભાએ પસાર કરેલા બિલને રોકવાનો અબાધિત અધિકાર આપી દીધો છે. કોઈ પણ બિલ રાજ્યપાલ પાંચ-સાત વર્ષ રોકી રાખે એ ચૂંટાયેલી સરકારના અધિકારનું હનન છે પણ સુપ્રીમ કોર્ટ આ હનન સામે લાચારી બતાવે તો બીજું તો કોઈ શું કરી શકે?

Advertisement
Tags :
Advertisement
Advertisement