ગવર્નર પાસે વીટો પાવર નથી: ખરડાને અટકાવવો મનસ્વી અને ગેરકાયદે; તામિલનાડુ મુદ્દે સુપ્રીમનો નિર્ણય
તામિલનાડુ વિધાનસભાએ પસાર કરેલા 10 ખરડા રાજયપાલે અટકાવી રાખ્યા તે સામે રાજય સરકારે કરેલી અરજીના ચુકાદામાં સુપ્રીમ કોેર્ટે રાજયપાલના નિર્ણયને મનસ્વી અને ગેરકાયદે જાહેર કરી જણાવ્યું છે કે રાજ્યપાલ પાસે બિલ પર બેસીને તેના પર કોઈ નિર્ણય ન લેવાનો વીટો પાવર નથી. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે બિલો પુન:વિચારણા બાદ વિધાનસભામાં પાછા મોકલવામાં આવ્યા હોવાથી તેમને તાત્કાલિક મંજૂર કરવામાં આવે. તે બિલો પેન્ડિંગ રાખવાનો કોઈ અર્થ નથી.
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે વિધાનસભા દ્વારા બીજી વખત મોકલવામાં આવેલા 10 બિલ એક જ દિવસે મંજૂર થઈ જવા જોઈએ. રાજ્યપાલે તેમને કોઈ પણ કારણ વગર અટકી રાખ્યા. જો બિલમાં કેટલાક ફેરફારો કરવામાં આવે તો જ તે બિલને મંજૂર કરવાનો ઇનકાર કરી શકે છે. બેન્ચે કહ્યું કે રાજ્યપાલે બિનજરૂૂરી રીતે 10 બિલને હોલ્ડ પર રાખ્યા હતા. તેથી તેના નિર્ણયને ફગાવી દેવામાં આવે છે. અમે આ 10 બિલોને લઈને રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોને ફગાવીએ છીએ. આ તે જ દિવસે મંજૂર થવું જોઈતું હતું જ્યારે તે બિલ તેમની સમક્ષ બીજી વખત રજૂ કરવામાં આવ્યા હતા. ખંડપીઠે કહ્યું, પઅમારો સ્પષ્ટ અભિપ્રાય છે કે બિલને રોકવા એ બંધારણની કલમ 200નું ઉલ્લંઘન હતું. આ કાયદેસર ન હતું.
કઠોર ભાષાનો ઉપયોગ કરીને બેન્ચે કહ્યું કે રાજ્યપાલે આ કેસમાં નિયમો પ્રમાણે કામ કર્યું નથી. જ્યારે તેઓને વિધાનસભા દ્વારા ફરીથી રજૂ કરવામાં આવ્યા ત્યારે જ તેમને બિલો મંજૂર કરવાના હતા. બેન્ચે કહ્યું કે આ મામલે નિર્ણય ન લેવો ખોટું છે. રાજ્યપાલે કાં તો બિલને તાત્કાલિક મંજૂર કરી દેવું જોઈએ અથવા તેને પરત કરવું જોઈએ અથવા રાષ્ટ્રપતિને મોકલવું જોઈએ. તેમણે બંધારણ હેઠળ કોઈ પણ પગલું ભર્યું હોત, પરંતુ તે બિલોને દબાવવાનું ખોટું હતું. કોર્ટે કહ્યું કે ભલે બંધારણમાં એ વાતની કોઈ વ્યાખ્યા નથી કે રાજ્યપાલે કેટલા દિવસ સુધી બિલ પર નિર્ણય લેવો જોઈએ, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમણે બિલ પર અમર્યાદિત સમય માટે બેસી રહેવું જોઈએ.