સરકારની તિજોરી છલોછલ ભરાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ
નવા મહિનાની શરૂઆત સાથે જ દેશ માટે સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન GST કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. આ વધારા સાથે, GST કલેક્શન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. સરકારી આંકડા અનુસાર, એપ્રિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ, 2025માં રૂ. 2.37 લાખ કરોડનું ઓલટાઈમ હાઈ જીએસટી કલેક્શન નોંધાયુ છે. જે ગતવર્ષે સમાન ગાળામાં રૂ. 2.10 લાખ કરોડ હતું. જ્યારે માર્ચ, 2025માં રૂ. 1.96 લાખ કરોડ નોંધાયુ હતું.
અગાઉ, એપ્રિલ 2024 માં સૌથી વધુ GST કલેક્શન હતું, જે 2.10 લાખ કરોડ રૂપિયા હતું. આ વર્ષે એપ્રિલમાં રિફંડ બાદ નેટ જીએસટી કલેક્શન 9.1 ટકા વધી એપ્રિલમાં રૂ. 2.09 લાખ કરોડ નોંધાયુ હતું.
આ સ્થળોએ GST કલેક્શનમાં વધારો
રાજ્યવાર જીએસટી કલેક્શનને ધ્યાનમાં લઈએ તો લક્ષદ્વીપમાં સૌથી વધુ 287 ટકાનો ગ્રોથ નોંધાયો છે. અરુણાચલ પ્રદેશમાં ૬૬% વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં અનુક્રમે ૫૦% અને ૪૨% વૃદ્ધિ થઈ છે. જ્યારે ગુજરાતમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ નોંધાયો હતો. ગતમહિને માર્ચમાં ગુજરાતમાં રૂ. 12095 કરોડનું જીએસટી કલેક્શન નોંધાયુ હતું. જે એપ્રિલમાં 13 ટકા વધી રૂ. 14970 કરોડ નોંધાયુ છે.
તેનાથી વિપરીત આંધ્ર પ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં મિઝોરમમાં સૌથી મોટો ૨૮% ઘટાડો જોવા મળ્યો છે.
GST ક્યારે લાગુ કરવામાં આવ્યો?
તમને જણાવી દઈએ કે, દેશમાં GST ૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) ભારતમાં માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પરનો પરોક્ષ કર છે. GST ના 4 પ્રકાર છે, જેમાં CGST, SGST, UTGST અને IGSTનો સમાવેશ થાય છે. ક્યારેક સેસ પણ વસૂલવામાં આવે છે.
ભારતમાં વિવિધ માલ અને સેવાઓ માટે GST દરોને 4 સ્લેબમાં વહેંચવામાં આવ્યા છે, 5% GST, 12% GST, 18% GST અને 28% GST. દેશમાં GST લાગુ થયા પછી, GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો માટે GST દરોમાં ઘણી વખત સુધારો કર્યો છે.