પહેલગામ હુમલા બાદ સરકાર એક્શનમાં, કાશ્મીરમાં 1500ની અટકાયત
ગુપ્તચર વિભાગના વોચલિસ્ટ અને એફઆઇઆર થઇ ચૂકી હોય તેમની આગવી ઢબે મહેમાનગતિ
પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં એક મોટું ઓપરેશન શરૂૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીર ખીણમાં 1500થી વધુ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ લોકોને વિવિધ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે.
આમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW), ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેમની સામે FIR દાખલ થઈ ચૂકી છે અથવા જેમના નામ ગુપ્તચર વોચ લિસ્ટમાં છે તેનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓ હુમલાખોરોને આશ્રય આપનારાઓને શોધવામાં વ્યસ્ત છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.
એવું માનવામાં આવે છે કે, આ મોટા પાયે દરોડા અને ધરપકડ અભિયાનનો હેતુ હુમલા પાછળના નેટવર્ક અને સ્લીપર સેલને શોધવાનો છે.
હુમલાખોરોને કોણે આશ્રય આપ્યો, મદદ કરી અથવા હથિયારો પૂરા પાડ્યા તે જાણવા માટે હાલમાં આ બધા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સને જોડીને, દરેક શંકાસ્પદના જોડાણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે અને ધાર્મિક, રાજકીય અને જાહેર કાર્યક્રમો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદ સામેની આ લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે અને કોઈપણ ષડયંત્રને સફળ થવા દેવામાં આવશે નહીં.
પાક. સામે બહુપાંખિયો હુમલો: સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી માંડી બોર્ડર બંધ, વીઝા રદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)ની એક કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, CCS એ અનેક કડક પગલાં લેવાનું નક્કી કર્યું અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ (1960) તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ સંધિ ત્યારે જ પુન:સ્થાપિત થશે જ્યારે પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરશે. આ ઉપરાંત, અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે, જે લોકો માન્ય દસ્તાવેજો સાથે આ માર્ગ દ્વારા ભારત આવ્યા છે તેઓ 1 મે પહેલા પાછા આવી શકે છે. ભારતે લીધેલા પગલા મુજબ સિંધુ જળ સંધિ બંધ કરી દેવામાં આવી, અટારી બોર્ડર પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી, પાકિસ્તાનીઓના વિઝા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા. પાકિસ્તાનીઓને 48 કલાકની અંદર દેશ છોડવા આદેશ, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવશે, પાકિસ્તાની રાજદ્વારીઓએ 7 દિવસની અંદર દેશ છોડવો પડશે, આગામી નિર્ણય સુધી કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા નહીં મળે, કોઈપણ પાકિસ્તાની નાગરિકોને ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મંજૂર થયેલા તમામ વિઝા સ્ટેન્ડ રદ કરવામાં આવ્યા. ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ કરવામાં આવશે.